રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ મેદાનમાં વર્ષોથી યોજાતો પરંપરાગત લોકમેળો દર વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષે છે. જો કે, ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર ગયા વર્ષે આ મેળાનું સ્થળ બદલવા માટે સ્થાનિક ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ રમેશભાઈ ટીલાળા દ્વારા કલેક્ટર અને રાજ્ય સરકારને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઆતો બાદ તંત્ર દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા ન્યૂ રેસકોર્સ ખાતે આશરે 1 લાખ ચોરસ મીટરની ખાલી જમીન નવું સ્થળ તરીકે નક્કી કરવામાં આવી હતી.ન્યૂ રેસકોર્સની ફાળવવામાં આવેલી જમીન પથરાળ અને અસમતલ હોવાથી તેને મેળા યોગ્ય બનાવવા માટે મોટા પાયે સમથળ કરવું જરૂૂરી છે. જો કે, એક વર્ષમાં ન્યુરેસકોર્ષની જમીન સમથળ કરવાનો ખર્ચ 12 કરોડથી વધી 18 કરોડે પહોંચી ગયો છે.ગયા વર્ષે તત્કાલીન કલેક્ટર પ્રભાવ જોશીએ આ જમીનને સમતલ કરવા માટે રાજ્ય સરકાર પાસે12 કરોડની ગ્રાન્ટ માંગી હતી, જે મંજૂર ન થતાં છેલ્લી ઘડીએ મેળો રેસકોર્સમાં જ યોજવો પડ્યો હતો. આ વર્ષે વર્તમાન કલેક્ટર ઓમ પ્રકાશે ટૂરિઝમ વિભાગ સાથે પત્રવ્યવહાર કરીને 18 કરોડની મોટી ગ્રાન્ટની માંગણી કરી છે. આમ, માત્ર એક જ વર્ષમાં ગ્રાન્ટની રકમમાં 6 કરોડનો તોતિંગ વધારો ઝીંકાયો છે.
જે નેતાઓએ લોકમેળાનું સ્થળ બદલવા માટે મોટી-મોટી રજૂઆતો કરી હતી, તેઓ સરકારમાંથી જરૂૂરી ગ્રાન્ટ મંજૂર કરાવવામાં અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયા છે. હવે જ્યારે ચોમાસાની શરૂૂઆત આડે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તંત્ર પાસે સમય ખૂબ ઓછો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો આગામી 10 થી 15 દિવસમાં રાજ્ય સરકાર દ્વારા 18 કરોડની આ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવે , તો જ લોકમેળાની શરૂૂઆત સુધીમાં ન્યૂ રેસકોર્સનું મેદાન સમતલ થઈ શકે તેમ છે.હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરથી આટલી મોટી રકમની લીલી ઝંડી મળે છે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટવાસીઓએ રેસકોર્સના મેદાનમાં જ લોકમેળાની મોજ માણવી પડશે.
