પ્રિ-મોન્સૂન કામના ક્રોસ ચેકિંગ માટે કાલે કોર્પોરેટરો વોર્ડ ખૂંદશે

RMCના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યોની ‘ચેકિંગ સ્કવોર્ડ’ આ રીતે સામૂહિક નીકળી કોન્ટ્રાક્ટરોના કામ ચકાસશે વોંકળા-ડ્રેનેજ સફાઇના કામ કાગળ પર થયા છે કે જમીન પર?…

RMCના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા સભ્યોની ‘ચેકિંગ સ્કવોર્ડ’ આ રીતે સામૂહિક નીકળી કોન્ટ્રાક્ટરોના કામ ચકાસશે

વોંકળા-ડ્રેનેજ સફાઇના કામ કાગળ પર થયા છે કે જમીન પર? ખુલ્લા પ્લોટ સહિતની ગંદકી સાફ થવા સહિતની કામગીરીનું નગરસેવકો કરશે નિરિક્ષણ

રાજકોટમાં માત્ર બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે શહેરના અનેક વિસ્તારો ટાપુ બની જાય છે. કલાકો સુધી પાણી ઓસરતુ નથી. તેની પાછળનું કારણ એ છે કે, દર વર્ષે મનપા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના એકશન પ્લાનમાં વોંકળા સફાઇ સહિતની કામગીરી મોટાભાગે કાગળ પર જ દેખાડવામા આવતી હોવાનું વરસતા વરસાદે શહેરીજનો અનુભવ કરે જ છે. માત્ર કાગળ પર જ પ્રિ-મોન્સુન કામગીરી દેખાડીને વોંકળા સફાઇના નામે લાખો રૂૂપિયાના બીલ બની જાય છે.

આ વખતે પણ આ સીલસીલ જારી રાખવામા આવ્યો હોય તો કામચોર સ્ટાફની પોલ છતી કરવા માટે મનપાના નવા શાસકોએ તેની રીતે ‘એકશન પ્લાન’ બનાવ્યો છે. આવતીકાલે સવારે 9 વાગ્યે શાસકપક્ષના તમામ નગરસેવકો પોતાના વોર્ડમાં નીકળશે. પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર થઇ છે કે વાસ્તવમાં તેનુ નિરિક્ષણ કરશે. અને જ્યા કચાશ દેખાશે ત્યા સંબંધિત અધિકારીને કામ તાકીદે પુરુ કરવા સુચના આપશે.

પ્રિ-મોન્સુન કામગીરી પૂરી થઇ ગયાનું કાગળ પર ચિતરીને સરકારને પણ ઉઠ્ઠા ભણાવવા રાજકોટ મહાપાલિકાની ડાંડાઇ વર્ષો જૂની છે. જેનો ભોગ શહેરની જનતા પ્રથમ વરસાદથી લઇને આખુ ચોમાસુ વેઠે છે. પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર દેખાડવામા રાજકોટ ગોલ્ડ મેડલ દેવો પડે તેમ કહીએ તો પણ કંઇ અતિશયોક્તિ નથી. દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીનો રિપોર્ટ, ખાસ કરીને વોંકળા સફાઇના નામે જે નાટક કરવામા આવે છે તેનો પ્રથમ વરસાદમાં જ પરપોટો ફૂટી જાય છે.

આ વખતે પણ શહેરમાં નાના-મોટા 40 વોંકળાની સફાઇ થઇ ચુકી હોવાનો ઉઠ્ઠા ભણાવતો અસ્સલ મજાનો રિપોર્ટ તૈયાર કર્યો છે! છેલ્લાં એક મહિનાથી રોજના 2 જેસીબી અને 37 કામદારોના સ્ટાફને કામે લગાડવામા આવ્યો હોવાનું કાગળ પર ચિતરવામા આવ્યું છે. ચોમાસુ દસ્તક દઇ રહ્યુ છે. વરસાદી પાણીના નિકાલનો અવરોધ દૂર નહીં થાય તો શહેર માત્ર 3 ઇંચમાં પણ જળબંબાકાર થઇ જવાનું છે તેમા કોઇ શંકાને સ્થાન નથી.
દરમિયાન ખરેખર પ્રિ-મોન્સુન કામગીરી કેટલી થઇ છે? કાગળ પર કેટલા કામ દેખાડવામા આવ્યા છે? તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે મનપામાં નવા સુકાનીઓએ ક્રોસ વેરીફિકેશનનો રામબાણ ઇલાજ શોધ્યો છે.

આવતીકાલે શાસકપક્ષના તમામ નગરસેવકો સવારે 9 વાગ્યાથી પોત-પોતાના વોર્ડમાં નિકળવાના છે. વોંકળા સફાઇ, ભૂગર્ભ મેઇન હોલ, ખુલ્લા પ્લોટ સહિતની જગ્યાએ ગંદકી, નડતરરૂૂપ વૃક્ષ કે તેની ડાળીઓ દૂર કરવા સહિતની કામગીરીનું નિરિક્ષણ કરશે. વોર્ડ મુલાકાત દરમિયાન પ્રિ-મોન્સુન કામગીરીને લગતી કોઇ કચાશ દેખાશે તો તુરંત જ સંબંધિત અધિકારીને સુચના આપી તાત્કાલિક અસરથી કામગીરી પુરી કરવા માટે સુચના આપશે.

બે દિવસ પહેલા પદાધિકારીઓએ બોલાવેલી મિટિંગમાં અધિકારીઓએ મુકેલી કામગીરી ચકાસાશે
બે દિવસ પહેલા મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશભાઇ પીપળિયા, નેતા હિરેનભાઇ ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાએ અધિકારીઓની મેરેથોન મિટિંગ બોલાવી હતી. જેમા પ્રોજેક્ટ રિવ્યુ ઉપરાંત પ્રિ-મોન્સુન કામગીરીના લેખા-જોખા પણ લેવામા આવ્યા હતા. વોંકળા સફાઇ સહિતની કામગીરી મોટાભાગે પુરી થઇ ગઇ છે તેવો કાગળ પર ચિતરેલો અહેવાલ સંબંધિત અધિકારીઓએ મુક્યો હતો. આ અહેવાલ મુજબ કામગીરીનું પોસ્ટમોર્ટમ નગરસેવકો આવતીકાલે વોર્ડ મુલાકાત દરમિયાન કરશે.

ગેસ, પીજીવીસીએલ, મોબાઇલ, ઇન્ટરનેટ સહિતની એજન્સીઓને 15 જૂન પહેલા ખાડા બુરી દેવા આદેશ
શહેરમાં હાલ જ્યા કંઇપણ ગેસની લાઇન કે પીજીવીસીએલ, મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે એજન્સીઓએ સર્વિસ લાઇન નાખવા માટે ખાડા ખોદ્યા છે એ તા.15 જૂન પહેલા બુરી દેવા આદેશ કરવામા આવ્યો હોવાનું જાણવા મળે છે. જે એજન્સીએ નિયત સમયમાં ખાડા બુર્યા નહીં હોય તેને પેનલ્ટી ફટકારવામા આવશે. આ ઉપરાંત મનપાના વિવિધ વિભાગોને પણ સુચના આપવામા આવી છે કે, 15 જૂન પછી કોઇપણ કામ માટે ખાડા ખોદવા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *