રાયપુરથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફલાઇટને રાજકોટ ખાતે ડાયવર્ટ કરાઇ

ભારે પવનના કારણે અમદાવાદમાં લેન્ડિંગ શકય ન બનતા રાજકોટ દોઢ કલાક રોકાઈ અમદાવાદના આકાશમાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા અતિભારે પવનને કારણે વિમાની સેવાઓને વ્યાપક…

ભારે પવનના કારણે અમદાવાદમાં લેન્ડિંગ શકય ન બનતા રાજકોટ દોઢ કલાક રોકાઈ

અમદાવાદના આકાશમાં અચાનક બદલાયેલા હવામાન અને ફૂંકાયેલા અતિભારે પવનને કારણે વિમાની સેવાઓને વ્યાપક અસર પહોંચી છે. રાયપુરથી અમદાવાદ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E 6194 ને પ્રતિકૂળ હવામાનના કારણે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરવાની મંજૂરી ન મળતા, તેને તાત્કાલિક ધોરણે રાજકોટ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઇટે બપોરે 12:03 કલાકે રાજકોટ રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.

જો કે, વિમાનના લેન્ડિંગ બાદ રાજકોટ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ ખાતે તેના આગમન વિસ્તાર માં એક પણ મુસાફર બહાર આવ્યો ન હતો. સામાન્ય રીતે ફ્લાઇટ ડાયવર્ટ થાય ત્યારે મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લાવવામાં આવતા હોય છે, પરંતુ આ કિસ્સામાં અરાઇવલ એરિયા સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવામાન સાફ થવાની આશાએ અથવા એરલાઇન્સની આંતરિક વહીવટી વ્યવસ્થાના ભાગરૂૂપે તમામ મુસાફરોને વિમાનની અંદર જ બેસાડી રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે.

રાજકોટ એરપોર્ટ પર અંદાજે સવા કલાક જેટલા ટૂંકા રોકાણ બાદ, અમદાવાદમાં પવનની ગતિ સામાન્ય થતાં જ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા આ ફ્લાઇટને ફરી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ બપોરે 01:23 કલાકે ઇન્ડિગોની આ ફ્લાઇટે રાજકોટ એરપોર્ટ પરથી અમદાવાદ જવા માટે સફળ ટેક-ઓફ કર્યું હતું. ટર્મિનલ બિલ્ડિંગમાં મુસાફરો ન આવવા છતાં, એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ આ આકસ્મિક લેન્ડિંગ અને ટેક-ઓફ પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ રીતે સતર્ક રહી હતી. હવામાનની આ આપાતકાલીન સ્થિતિ વચ્ચે વિમાન અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાન તરફ રવાના થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *