જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના મોટા કાજલીયાળા ગામે એક અત્યંત ચોંકાવનારી અને હૃદય હચમચાવી દે તેવી હિંસક ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા એક રીઢા અને માથાભારે ઈસમે જૂની અદાવત તેમજ પૈસાની ઉઘરાણી બાબતે પરિવાર સાથે બેઠેલા એક યુવક પર ઘરના આંગણે ધસી જઈ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવકના ગળા અને ગરદનના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દેતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હાલ ભોગ બનનાર યુવક જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ઈંઈઞ) વોર્ડમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
ફરિયાદની વિગતો અનુસાર, ભોગ બનનાર મુકેશભાઈ વઘેરા ગામની એક દુકાને દૂધ-છાશ લેવા ગયા હતા. તેઓ દુકાનની બહાર ઓટા પર બેઠા હતા, ત્યારે આરોપી જયેશ સંજયભાઈ વઘેરા તેની પત્ની કંચનબેન સાથે બાઇક પર ત્યાંથી પસાર થયો હતો. મુકેશભાઈને જોઈને આરોપીએ બાઇક ઊભી રાખી દીધી હતી અને ઉશ્કેરાઈને ’તું મને વાપરવા માટે પૈસા કેમ નથી આપતો?’ તેમ કહી જાહેરમાં બિભત્સ ગાળો ભાંડવાનું શરૂૂ કર્યું હતું. આરોપીએ મુકેશભાઈના ગાલ પર ઉપરાઉપરી ઝાપટો મારી દીધી હતી. જાહેર સ્થળે વિવાદ ન વધે તે માટે મુકેશભાઈ ત્યાંથી ચૂપચાપ પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. મુકેશભાઈ પોતાના ઘરના ફળિયામાં ખાટલા પર પોતાની માતા તેમજ ભત્રીજી સાથે બેઠા હતા, ત્યારે જ હુમલાખોર જયેશ હાથમાં તીક્ષ્ણ છરી લઈને ઘરમાં ધસી આવ્યો હતો. “આજે તો તને જાનથી મારી જ નાખવો છે” તેમ કહીને આરોપીએ મુકેશભાઈની ગરદન પર છરીનો સીધો ઘા ઝીંકી દીધો હતો.
હુમલો એટલો ગંભીર હતો કે મુકેશભાઈને માથાના પાછળના ભાગથી લઈને ગળા સુધી ઊંડો ઘા પડી ગયો હતો અને શરીરમાંથી પુષ્કળ લોહી વહેવા લાગતાં તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. પડોશીઓ અને ગ્રામજનો દોડી આવતા આરોપી જયેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો, પરંતુ જતાં-જતાં પણ ’બીજી વાર હાથમાં આવીશ તો ગળું કાપી નાખીશ’ તેવી ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે, આ ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી જયેશે પાંચ મહિના અગાઉ જૂનાગઢની સિવિલ હોસ્પિટલના પાંચમા માળે ચડી, નશામાં ધૂત બનીને આપઘાત કરવાની ધમકી આપી ભારે હંગામો મચાવ્યો હતો. ગામના લોકો અને પોલીસ પણ તેની આવી હરકતોથી સારી રીતે વાકેફ છે.
