રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અનેક લોકોને બરકત વધારવાની લાલચ આપી છેતરપીંડી કરતી વાંકાનેર પંથકની ટોળકીને ગ્રામ્ય લોધિકા પોલીસે ઝડપી લીધી હતી. લોધિકા તાલુકાના ચાંદલી ગામે રહેતા 60 વર્ષીય વૃદ્ધ ખેડૂત વિનોદભાઈ વસોયાને તેમના ઘરમાં અને નાણામાં ’બરકત’ વધારવાની લાલચ આપી રૂૂ. 90,000ની ઠગાઈ આચરી નાસી છૂટેલી વાંકાનેરના ભોજપરા ગામની ચાર સભ્યોની સાધુ વેશધારી ટોળકીને લોધિકા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી છે. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કીયા સેલ્ટોસ કાર સહિતનો મુદ્દામાલ અને છેતરપિંડીની રકમ પણ જપ્ત કરી છે.
બનાવની વિગત અનુસાર, ગઈ તા. 25 ના રોજ ખેડૂત વિનોદભાઈ પોતાના ખેતરે હતા ત્યારે કારમાં સવાર થઈને ચાર આરોપીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓએ સાધુઓનો ભગવો સ્વાંગ રચ્યો હતો અને ખેડૂતને “બેટા હમ તુમ્હારે ઘર ખાના હૈ” તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. વિનોદભાઈએ તત્કાળ પોતાના ઘરે લઈ જઈ આ કથિત સાધુઓ માટે ભોજનની વ્યવસ્થા કરાવી જમાડ્યા હતા. ભોજન કર્યા બાદ આરોપીઓએ અંધશ્રદ્ધાની જાળ બિછાવી વિનોદભાઈ પાસે રૂૂપિયાના બંડલમાંથી એક નોટ આપવાનું કહી વિધિના બહાને બીજું બંડલ પણ મગાવ્યું હતું. ત્યારબાદ નાણાની બરકત વધારવાની લાલચ આપી, વાતોમાં મશગૂલ રાખી રૂૂ. 90,000ની રોકડ રકમ સેરવી આ ટોળકી કારમાં ફરાર થઈ ગઈ હતી. આ અંગે ભોગ બનનાર ખેડૂતે લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીઆઈ આઈ. એમ. સરવૈયાએ કાર નંબરના આધારે સઘન તપાસ હાથ ધરી આ ચારેય સભ્યોને દબોચી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં બહાદુરનાથ પરમાર (ઉ.વ. 30), ધરમનાથ પરમાર (ઉ.વ. 38), સાયરનાથ પરમાર (ઉ.વ. 30) અને તૌફાનનાથ પરમાર (ઉ.વ. 44) નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી બહાદુરનાથ વિરૂૂદ્ધ આ પ્રકારની છેતરપિંડીના અગાઉ ત્રણ મળી કુલ 9 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ધરમનાથ અને તૌફાનનાથ સામે પણ ગુના નોંધાયેલા છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે આ પ્રકારે ઠગાઈ આચરી છે કે કેમ તે અંગે પોલીસે રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂૂ કરી છે.
