શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે આવેલા મફતીયાપરમાં રહેતા આધેડ રેલનગર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર વિસ્તારમાં રાણીમાં રૂડીમાં ચોક પાસે આવેલા મફતીયાપરમાં રહેતા દીપકભાઇ રતીભાઇ નારોડા નામના 50 વર્ષના આધેડ ગઇકાલે રેલનગર વિસ્તારમાં આસ્થા ચોક પાસે આવેલા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં બાંધકામ સાઇટ પર મજૂરી કરતા હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ આધેડનુ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દીપકભાઇ નારોડા મુળ બિલખાના વતની હતા. મૃતક આધેડ ચાર ભાઇમાં વચેટ હતા. છૂટાછેડા બાદ રૈયાધાર મફતીયાપરામાં એકલા રહી મજૂરી કામ કરતા હતા. ગઇકાલે બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતી વખતે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
