બનાસકાંઠાના પાલનપુરની 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે માત્ર 7 દિવસની અંદર 17,598 ફૂટની ઊંચાઈ પર આવેલો અત્યંત કઠિન એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરીને ઈતિહાસ રચ્યો છે. ત્યાં તેણે ગૌરવભેર તિરંગો લહેરાવી, રાષ્ટ્રગાન ગાયું અને યોગ કર્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અદભુત સિદ્ધિ બદલ ટ્વિટ કરી દીકરીને શુભેચ્છાઓ પાઠવી છે.”ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી” આ વાક્યને બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની એક નાની દીકરીએ વૈશ્વિક સ્તરે સાબિત કરી બતાવ્યું છે. પાલનપુરની માત્ર 8 વર્ષની નાની વય ધરાવતી નિક્ષા બારોટે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ પર સફળતાપૂર્વક ચઢાણ કરીને એક નવો ઈતિહાસ રચી દીધો છે.
સામાન્ય રીતે જે ઊંચાઈએ પહોંચતા મોટા-મોટા પર્વતારોહકોના શ્વાસ ફૂલી જતા હોય છે, ત્યાં આ આઠ વર્ષની બાળકીએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે.નિક્ષા બારોટે સમુદ્ર સપાટીથી 17,598 ફૂટની ભયજનક ઊંચાઈ પર આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચીને ભારતનો ગૌરવશાળી તિરંગો લહેરાવ્યો હતો. આ મિશનમાં સૌથી અદભુત અને ગૌરવપ્રદ ક્ષણ એ હતી કે, આટલી હાડ થીજવતી ઠંડી અને ઓક્સિજનની અછત વચ્ચે પણ નિક્ષાએ બેઝ કેમ્પ પર બેસીને યોગ કર્યા હતા. આ સાથે જ તેણે અત્યંત ગર્વ સાથે ત્યાં ભારતનું રાષ્ટ્રગાન ગાયું હતું. તેની આ દેશભક્તિ અને સાહસ જોઈને ત્યાં હાજર અન્ય આંતરરાષ્ટ્રીય પર્વતારોહકો પણ પ્રભાવિત થઈ ગયા હતા.
