મોરબી રોડ પરના પ્રૌઢા અને રેલનગરના મહિલાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજ્યભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે. આકાશમાંથી વરસી રહેલા અસહ્ય તાપની સીધી અરસ લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. અસહ્ય તાપ અને ઉકળાટ વચ્ચે હાર્ટએટેકના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ત્યારે શહેરમાં હૃદય બેસી જવાથી મહિલા સહિત વધુ બેના મોત નીપજ્યા છે. મોરબી રોડ પર રહેતા પ્રૌઢા અને રેલનગરમાં રહેતી મહિલાને આવેઇલ હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા બંન્ને પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પાહોંચી જતા હિટસ્ટ્રોક અને કાર્ડીયાક અરેસ્ટના કેસો બેકાબૂ બન્યા છે. શહેરના મોરબી રોડ પર બજરંગ પાર્ક શેરી નં.3માં રહેતા મધુબેન દિનેશભાઇ મગવાનીયા (ઉ.વ.55)નામના પ્રૌઢા આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા જેથી પરિવારજનો દ્વારા તેમને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાર ફરજ પરના તબીબે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં હાર્ટએટેક આવતા તેમનુ મૃત્યુ થયાનુ જણાવ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બીડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મધુબેનને સંતાનમાં બે દીકરા હોવાનુ અને પતિ ચાંદી કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.
જયારે બીજા બનાવમાં રેલનગર 2માં શેરી નં.4માં રહેતા મીનુબેન ધર્મેન્દ્રભાઇ અક્ષેરીયા (ઉ.વ.33)નામના મહિલા આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા હાર્ટએટેક આવતા મૃત્યુ થયાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મીનુબેન મુળ આગ્રાના વતની હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
