એક વર્ષમાં સુરેન્દ્રનગર પંથકમાં 2200 ગેરકાયદે ખાણ બંંધ, 10000 કરોડની ખનીજચોરી ઝડપાઇ

એક વર્ષમાં ચોટીલા-મૂળી-થાનગઢમાં ડે.કલેકટર એચ.ટી. મકવાણાની અભૂતપૂર્વ કામગીરી, 20000થી વધુ શ્રમીકોનું રેસ્કયુ કર્યું સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર ઐતિહાસિક પંચાળ પંથકથી ઓળખાતા ચોટીલા, થાનગઢ, અને મૂળી પંથકમાં…

એક વર્ષમાં ચોટીલા-મૂળી-થાનગઢમાં ડે.કલેકટર એચ.ટી. મકવાણાની અભૂતપૂર્વ કામગીરી, 20000થી વધુ શ્રમીકોનું રેસ્કયુ કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર ઐતિહાસિક પંચાળ પંથકથી ઓળખાતા ચોટીલા, થાનગઢ, અને મૂળી પંથકમાં વર્ષોથી બેફામ ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજચોરી પર વહીવટી તંત્રે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. ચોટીલા સબ ડીવીઝનનાં નાયબ કલેકટર એચ. ટી. મકવાણાની નિમણૂંક બાદ, તેમના એક વર્ષના કાર્યકાળ દરમિયાન ખનીજ માફિયાઓનું નેટવર્ક સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેતો એક સત્તાવાર અહેવાલ સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આમ નાગરિકોના હક્કોને કેન્દ્રસ્થાને રાખીને તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અભૂતપૂર્વ કાર્યવાહીના મુખ્ય આંકડા અને હાઇલાઇટ્સ જોઇએ તો ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં વ્યાપક તપાસ હાથ ધરીને અંદાજિત રૂૂ. 1,000 કરોડથી વધુની ખનીજચોરી ઝડપી પાડવામાં આવી છે. ખનીજચોરીના મુખ્ય ગઢ ગણાતા જામવાડી, ખાખરાથળ, ભાડુલા અને ભેટ સહિતના વિસ્તારોમાં 2,200 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો બંધ કરાવી, 1,100 જેટલા જોખમી કૂવાઓને માટી વાળીને પૂરી દેવાયા છે.

આ ગેરકાયદેસર ખાણોમાં જીવના જોખમે મજૂરી કરી રહેલા 20,000થી વધુ શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી (રેસ્ક્યૂ કરીને) તેમના મૂળ વતનમાં પરત મોકલવાનું માનવતાવાદી કાર્ય કરાયું છે. માફિયાઓએ કાળી કમાણીમાંથી સરકારી જમીનો પર બનાવેલી 500થી વધુ ગેરકાયદેસર હોટલો, દુકાનો અને ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરાયા છે.

તંત્રની આ કડક સપાટો બોલાવતી કામગીરીથી સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે અને સરકારી તિજોરીને થતું અબજો રૂૂપિયાનું નુકસાન અટક્યું છે. બુરાણ કરાયેલ મોત ના ખાડા અને ખનીજ ચોરી થતા વિસ્તાર ઉપર તંત્ર ડ્રોન કેમેરાથી બાજ નજર રાખે છે.

42 હોટસ્પોટ પર 24 કલાક કડક પેટ્રોલિંગ
ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે હાલમાં થાનગઢ અને મૂળી પંથકમાં સંપૂર્ણપણે ખનીજચોરી બંધ છે. આ કાળો કારોબાર ભવિષ્યમાં ફરી ક્યારેય શરૂૂ ન થાય તે માટે મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની ખાસ ટીમો તૈનાત કરાઈ છે. જિલ્લાના સૌથી સંવેદનશીલ એવા 42 સ્થળો (હોટસ્પોટ્સ) પર 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

200થી વધુ માફિયાઓને તડીપાર કરવાની તૈયારી
સરકારી જમીન હડપ કરનારા માફિયાઓ સામે ’લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. વળી, જે ખેડૂતોએ પોતાની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવા દીધું હતું, તેમની જમીનો ’શ્રીસરકાર’ (સરકાર હસ્તક) કરવાની કાયદાકીય તજવીજ હાથ ધરાઈ છે. આગામી દિવસોમાં આ કાળા કારોબાર સાથે સંકળાયેલા નામચીન મોટા ગજાના 200થી વધુ ખનીજ માફિયાઓને તડીપાર (જીલ્લા નિકાલ) કરવાની મજબૂત દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *