માઇનનો લીઝ વિસ્તાર વધારવા ભાજપનું સમર્થન, કોંગ્રેસનો પર્યાવરણ સંબંધી વિરોધ
વેરાવળ તાલુકાના ખંઢેરી ગામ યોજાયેલી મેસર્સ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી. ની પર્યાવરણીય લોક સુનાવણી દરમિયાન સમર્થન અને વિરોધ ના સૂરો જોવા મળ્યા હતા. રોજગારીના હેતુ સાથે ભાજપના નેતાઓએ આ વિસ્તરણ ને સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસે પર્યાવરણ સંબંધી કારણો જણાવી વિસ્તરણ નો વિરોધ કર્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની પ્રાદેશિક કચેરી, જુનાગઢ દ્વારા સંચાલિત આ લોક સુનાવણીમાં કંપની દ્વારા ભેટાળી ગામ સર્વે નં. 61/પીની ખરાબા જમીન પર આવેલી 51.92.15 હેક્ટર માઇન લીઝ વિસ્તારમાં લાઇમસ્ટોન ઉત્પાદન ક્ષમતા 0.144 મિલિયન ટન પ્રતિ વર્ષથી વધારીને 1.0 મિલિયન ટન પ્રતિ વર્ષ કરવાની પ્રસ્તાવિત યોજનાને લઈ ચર્ચા થઈ હતી.ખંઢેરી ગામ સ્વ.વી.પી. ઝાલા સ્કૂલના મેદાનમાં યોજાયેલી આ સુનાવણી ગીર સોમનાથ જિલ્લાના ઇન્ચાર્જ અધિક કલેક્ટર યોગેશ જોશી ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી ત્રિવેદી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ, રોજગારીની દૃષ્ટિએ ભાજપ નેતાનું સમર્થન લોક સુનાવણીમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઇ બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગભાઈ પરમાર, પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાજવીર સિંહ ઝાલા સહિત ભાજપના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે કંપની વિસ્તરણ થી રોજગારીની તકોમાં વધારો થશે તેમજ સ્થાનિક વિકાસ ગતિ મળે તેવી દલીલ સાથે સમર્થન વ્યક્ત કર્યું હતું.
બીજી તરફ ભેટાળી ગામના સરપંચ, ઉપસરપંચ તથા કોંગ્રેસ તાલુકા પ્રમુખ હિરેનભાઇ બામરોટીયા સહિત અનેક ગ્રામજનોએ યોજના નો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કર્તાઓએ પર્યાવરણ પર પડનારી અસર, ધૂળ પ્રદૂષણ, પાણીના સ્ત્રોતો અને સ્થાનિક ખેડૂતો-પશુપાલકોને હિતોને લઈને પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ લોક સુનાવણી દરમિયાન બંને પક્ષોએ પોતાના અભિપ્રાય રજૂ કરતાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાય તે મુદ્દે ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. હવે રજૂ થયેલા અભિપ્રાયો અને વાંધો ના આધારે સંબંધિત તંત્ર દ્વારા આગામી નિર્ણય પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
