આજે સવારથી જ મનપાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં 300થી વધુ અરજદારો લાંબી લાઇનમાં ભેગા થઇ જતા ભારે દેકારો બોલી ગયો, સુરક્ષા સ્ટાફ સાથે માથાકૂટ
રાજકોટ મનપાએ નવા ફોર્મેટ મુજબ જન્મ-મરણના દાખલા કાઢવા માટે કેન્દ્ર સરકાર આધારિત પોર્ટલ મુજબની નવી વ્યવસ્થા શરૂૂ કરી છે. કેન્દ્રના આ પોર્ટલમાં આજે સવારથી જ ટેકનિકલ એરર આવી જતા અરજદારોની લાંબી લાઇન લાગી હતી. આગ ઓકતી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે અરજદારોની સહનશક્તિનો જાણે છેડો આવી ગયો હોય તેમ સિવિધ સેન્ટરમાં દેકારો બોલી ગયો હતો. વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાઇ હતી. એક તબક્કે અરજદારો અને વીજીલન્સ અને સિક્યુરિટી સ્ટાફ વચ્ચે માથાકૂટ પણ થઇ હતી.
રાજકોટ મહાનગરપાલિકાની કચેરીએ જઇને જન્મના દાખલા કઢાવવા એટલે સાત કોઠા વીંધીને પસાર જેવી હાલત, લાંબી લાઇનો, સર્વર ડાઉનની કાયમી રામાયણ, માંડ કરીને વારો આવે તો ઓપરેટર સ્ટાફ મનફાવે ત્યારે રિસેષ પાડી દેતા હોવાની કાયમી કકળાટ, અરજદારોની હેરાનગતિનો કોઇ પાર નહીં. કેન્દ્ર સરકારના આદેશ મુજબ જન્મના દાખલા માટે થયેલા કેટલાક ફેરફાર મુજબ નવા ફોર્મેટ સાથેના જન્મતારીખના દાખલા અરજદારોને હવે સીધા જ ઇ-મેઇલમાં મળી જશે તેવી વ્યવસ્થા ગોઠવવામા આવતા અરજદારોને એવી અપેક્ષા હતી કે અત્યાર સુધી જે હેરાનગતિ થતી હતી તેમાથી છૂટકારો મળશે. પરંતુ આ નવી વ્યવસ્થામાં પણ હેરાનગતિની કઠણાઇ ચાલી જ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી જન્મ અને મરણની નોંધણી તેમજ તેને લગતી તમામ કામગીરીઓ રાજ્ય સરકારના સ્તરેથી ઓપરેટ થતા પોર્ટલ દ્વારા કરવામાં આવતી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર આ સમગ્ર પ્રણાલીને સેન્ટ્રલાઇઝ્ડ કરીને કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર શિફ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પોર્ટલ પર કામગીરી શરૂૂ થવાથી હવે સુરક્ષાના માપદંડો વધુ ચુસ્ત બન્યા છે. નવા નિયમ મુજબ જન્મની નોંધણી કરાવતી વખતે માતા-પિતાના આધારકાર્ડની વિગતો ડેટાબેઝમાં ઉમેરવામાં આવશે. આ પ્રક્રિયાથી ઓળખની ચોકસાઈ વધશે. અને ભવિષ્યમાં કોઈપણ બાળકને પોતાના જન્મના પ્રમાણપત્રને લગતી વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.
ભારત સરકાર દ્વારા સુરક્ષાના હેતુથી જ આ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે નાગરિકો માટે અત્યંત ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે. નવી ઓનલાઈન સિસ્ટમ અંતર્ગત હવે અરજદારોને કચેરીના ધક્કા ખાવામાંથી પણ મોટી રાહત મળશે.
કેન્દ્ર સરકારના પોર્ટલ આધારિત આ નવી સિસ્ટમ બેશક સારી કહી શકાય. પણ અહીં ટેકનિકલ મુશ્કેલીઓને લઇને હાલત ઉલમાથી ચુલમા પડવા જેવી થઇ છે. આજે પોર્ટલમાં ટેકનિકલ એરર આવવા લાગી હતી.
સિસ્ટમ આપોઆપ ચોકઅપ થઇ જતી હતી. આ અંગે જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિતભાઇ જોષીને પુછવામા આવતા તેમણે કહ્યુ હતુ કે, સિસ્ટમમાં ટોકન નંબર કે એન્ટ્રી કરવામા આવે એટલે એરર આવી જાય છે. સતત બે વખત ટ્રાય કરવામા આવે તો લોગીન લોક થઇ જાય છે. ફરીથી કોમ્પ્યુટર ચાલુ કરીને લોગીન કરવા છતા સિસ્ટમ આગળ વધતી ન હતી.
નવી સિસ્ટમમાં હાલત ઉલમાંથી ચુલમાં પડવા જેવી થઇ
અગાઉની જુની સિસ્ટમમાં સર્વર ડાઉન થઇ જવાની પોળજણ રહેતી હતી. નવી વ્યવસ્થા આવી તેમા સમસ્યાનું સ્વરૂૂપ બદલાયુ છે. અરજદારોની હેરાનગતિ તો જૈસે થે વૈસે જ રહી છે. નવી સિસ્ટમમાં કેન્દ્ર સરકારના પોર્ટલમાં લોગીન લોક થઇ જવાની ટેકનિકલ ક્ષતિ આવી રહી છે. આજે સવારથી જ આ સમસ્યા રહી હતી. જેના લીધે અરજદારોની ભીડ જામી ગઇ હતી. ખાસો એવો સમય રાહ જોવા છતા પોર્ટલ પર ટેકનિકલ ક્ષતિ યથાવત રહેતા અરજદારોના મગજનો પારો ચડી ગયો હતો!
