ગઇકાલે બપોરે દંપતી મુંબઇ જવાનું હતું, પરિવારમાં શોક
મૂળી હાઇવે પર એક દુર્ઘટનામાં નિર્મિત શાહ નામના યુવકનું મોત થયું છે. આ ઘટના ત્યારે બની જ્યારે એક આખલાએ તેમને ફંગોળ્યા અને તેઓ રોડ પર પટકાયા, તે જ સમયે એક ડમ્પર તેમના પરથી પસાર થઈ ગયું. સુરેન્દ્રનગરના ગોકુળ હોટલ પાછળ રહેતા નિતિનભાઈ અમૃતલાલ શાહ થાન ફેક્ટરી ગયા હતા. તેમના પુત્ર નિર્મિતભાઈ શાહ અને પત્ની સંગીતાબેન શાહ બપોરે મુંબઈ જવાના હોવાથી, તેઓ નિતિનભાઈની રાહ જોઈને હાઇવે પર ગાડી પાર્ક કરીને બેઠા હતા.
નિર્મિતભાઈ શેરડીનો રસ પીને પોતાની કાર તરફ પરત ફરી રહ્યા હતા. તે જ સમયે ત્યાં બેઠેલો એક આખલો અચાનક દોડી આવ્યો અને તેમને ફંગોળ્યા. આથી નિર્મિતભાઈ રોડ પર પટકાયા. રોડ પર પટકાયા બાદ તેમના પરથી એક ડમ્પર પસાર થઈ ગયું. તેમને તાત્કાલિક પહેલા મૂળી અને ત્યારબાદ સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ નિર્મિતભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસે ઘટનાસ્થળેથી નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૂળી હાઇવે પર પશુઓનો અડીંગો અવારનવાર જોવા મળે છે.
