ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામ નજીક સાંગાવાડી નદીમાં એક દુર્ઘટના બની છે. કોડીનાર તાલુકાના નાની ફાંફણી ગામનો 13 વર્ષીય બાળક વિવાન સોલંકી નદી કિનારે હાથ-પગ ધોવા ગયો હતો, ત્યારે એક મગર તેને પાણીમાં ખેંચી ગઈ હતી. વન-વિભાગ અને ફાયરની ટીમે હાલ બાળકની શોધખોળ હાથ ધરી હતી. સાંજે 6:30 વાગ્યે આ ઘટના બન્યા બાદ આખરે રાત્રે 12 વાગ્યા આસપાસ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિવાનના પિતા દિનેશ સોલંકીએ આંબાના બગીચાનો ઈજારો રાખ્યો છે. ઘટના સમયે પરિવાર બગીચામાંથી કેરી ઉતારી રહ્યો હતો અને વિવાન કેરી વીણી રહ્યો હતો. કેરી વીણ્યા બાદ પિતા-પુત્ર નદી કિનારે હાથ-પગ ધોવા ગયા હતા. વિવાન નદી કિનારે હાથ-પગ ધોઈ રહ્યો હતો ત્યારે પિતાની નજર સામે અચાનક મગરે પુત્રને પાણીમાં ખેંચી લીધો હતો. આ જોઈને તેના પિતા દિનેશભાઈએ તરત જ પાણીમાં કૂદીને બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મગરના જડબામાંથી પુત્ર વિવાનને છોડાવી શક્યા ન હતા.
આ ઘટનાની જાણ જામવાળા વન વિભાગને કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, રાત્રીનો સમય હોવાથી શોધખોળમાં મુશ્કેલીઓ આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ નદી કિનારે પહોંચી ગયા હતા.
મગર માસૂમ વિવાનને લઈને કાંઠે દેખાઈ હતી, વન વિભાગ મગરને પકડી શકી ન હતી. મગરે 5 કલાક સુધી બાળકને જડબામાં લઈને નદીમાં ફંગોળ્યો હતો. આખરે રાત્રે 12 વાગ્યા આસપાસ નદીના સમાકાંઠેથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જામવાળા રેન્જના છઋઘ એમ,જે. દોમડાએ કહ્યું કે મૃતદેહ 12 કલાકની આજુબાજુ વન વિભાગ દ્વારા શોધવામાં આવ્યો. ત્યારબાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગીરગઢડા ખાતે લવાયો છે અને પીએમ થયા પછી એનું ચોક્કસ ખબર પડશે.
વનવિભાગ અને પોલીસની ટીમે બાળકના મૃતદેહને ઉના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. વિવાન 6 બહેનો એક માત્ર ભાઈ અને પરિવારન એકનો એક દીકરો હતો. તેના મોતથી પરિવાર માથે આભ ફાટ્યું છે.
