ભાવનગરના રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના કેસમાં 4 આરોપી દોષિત: 40 હજારનો દંડ

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લીટર ડીઝલ ચોરી થયાના કેસમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ), ભાવનગર દ્વારા…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વરતેજ રેલવે સ્ટેશન પર રેલવેના ડીઝલ એન્જિનમાંથી 150 લીટર ડીઝલ ચોરી થયાના કેસમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ), ભાવનગર દ્વારા કરવામાં આવેલી ત્વરિત અને અસરકારક કાર્યવાહીના પરિણામે ચાર આરોપીઓને ઝડપીને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. રેલવે અદાલત, ભાવનગરએ તમામ આરોપીઓને દોષિત ઠરાવી કુલ ₹40,000/- નો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે તા. 14 જૂન 2025ના રોજ વરતેજ રેલવે સ્ટેશન પર ઉભેલા રેલવે ડીઝલ એન્જિનમાંથી અંદાજે 150 લીટર ડીઝલની ચોરી થયાની ઘટના સામે આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરપીએફ ભાવનગરના ઇન્સ્પેક્ટર કપિલકુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં ઉપ નિરીક્ષક અશ્વિન વરુ, સહાયક ઉપ નિરીક્ષક રામપ્રતાપ, કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર, કોન્સ્ટેબલ ફૈઝલ પઠાણ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જગદીશ ડાંગરનો સમાવેશ થતો હતો. ટીમે દિવસ-રાત સતત મહેનત, ટેકનિકલ તપાસ અને મળેલી માહિતીના આધારે તા. 10 જુલાઈ 2025ના રોજ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને ચોરી કરાયેલ 150 લીટર ડીઝલ પણ જપ્ત કર્યું.ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ રેલવે સંપત્તિ (ગેરકાયદેસર કબજો) અધિનિયમ,1966 Railway Property (Unlawful Posse ssion) ની કલમ 3 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને રેલવે અદાલત, ભાવનગરમાં રજૂ કરવામાં આવ્યા હતા.માનનીય રેલવે અદાલત, ભાવનગરના ન્યાયાધીશ વાય. પી. શાહે કેસની ત્વરિત સુનાવણી કરીને ચારેય આરોપીઓને દોષિત ઠરાવ્યા અને તેમની સામે કુલ ₹40,000/- નો આર્થિક દંડ ફટકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *