પેટ્રોલપંપો ઉપર અવિરત લાઇનો, વેપાર-ધંધાને માઠી અસર

વહેલી સવારથી પંપો ઉપર કેરબા-ટ્રેકટર સહિતના વાહનો ગોઠવાઇ જાય છે, અનેક પંપોમાં શોર્ટ સપ્લાય કોડીનાર યાર્ડમાં ડીઝલની તંગીના કારણે કઠોળની આવક બંધ કરવી પડી ખાડી…

વહેલી સવારથી પંપો ઉપર કેરબા-ટ્રેકટર સહિતના વાહનો ગોઠવાઇ જાય છે, અનેક પંપોમાં શોર્ટ સપ્લાય

કોડીનાર યાર્ડમાં ડીઝલની તંગીના કારણે કઠોળની આવક બંધ કરવી પડી

ખાડી યુધ્ધના કારણે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અઘોષિત તંગીના કારણે પેટ્રોલપંપો ઉપર દિવસભર વાહનોની કતારો લાગેલી રહે છે અને વેપાર-ધંધા ઉપર પણ માઠી અસરો પડી રહી છે. પેટ્રોલપંપોને નિયત માત્રામાં જ પેટ્રોલ-ડિઝલનું વેંચાણ કરવાની પેટ્રોલિયમ કંપનીઓની મૌખિક સૂચના હોવાથી રાત્રે 9 વાગ્યા બાદ મોટાભાગના પેટ્રોલપંપો બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે.

સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ટ્રેક્ટર, કેરબા અને ડીઝલના ડબ્બા લઈને ખેડૂતો પેટ્રોલ પંપ પર ઉમટી પડી છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી ડીઝલની અછત સર્જાતા અનેક પેટ્રોલ પંપ પર ડીઝલ ખલાસ થઈ ગયું છે. કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ નથી ના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. ખેતીની સીઝન વચ્ચે ડીઝલ ન મળતા ખેડૂતોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ખેડૂતોનું કહેવું છે કે હાલ ઉનાળું પાકની લણણી પુરજોશમાં ચાલુ છે. તથા ખેતરમાં વાવણી પૂર્વેના કામ, ટ્રેક્ટર ચલાવવાના કામ તેમજ પાણી ખેંચવા માટે ડીઝલની ખૂબ જ જરૂૂર છે, પરંતુ પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામકાજ પર સીધી અસર પડી રહી છે. ડીઝલ માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ઇંધણ મળતું નથી તેવી પણ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી રહી છે.

કોડીનાર યાર્ડમાં આવક બંધ કરાઇ
ગીર સોમનાથ જિલ્લાના અગ્રણી કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા આજથી કઠોળની આવક સંપૂર્ણપણે બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં વર્તાઈ રહેલી ડીઝલની તીવ્ર અછત અને તેના કારણે સર્જાયેલી ટ્રાન્સપોર્ટની સમસ્યાને પગલે મગ, અડદ અને તલ સહિતના કઠોળના વેપાર પર સીધી માઠી અસર પડી છે. માર્કેટિંગ યાર્ડના આ અણધાર્યા નિર્ણયથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ બંને ભારે ચિંતામાં મુકાયા છે. આ ગંભીર મુદ્દે કોડીનાર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પિયુષભાઈ બારડે જણાવ્યું હતું કે, “હાલ ડીઝલની કટોકટીને કારણે પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. કોડીનાર યાર્ડમાં આવતા કઠોળનો મોટો જથ્થો અન્ય રાજ્યોના બજારોમાં મોકલવામાં આવે છે. પરંતુ ટ્રકો સમયસર ઉપલબ્ધ ન થતાં ખરીદાયેલો માલ અટવાઈ જવાની અને બગડી જવાની પૂરેપૂરી શક્યતા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ પૂરતી કઠોળની આવક બંધ કરાઈ છે. જોકે, અન્ય કૃષિ જણસોની આવક અને ખરીદી રાબેતા મુજબ ચાલુ રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *