મોરબી જિલ્લામાં ક્રિકેટ સટોડિયાઓ ઉપર પોલીસની તવાઇ, 3 ઝડપાયા

મોરબી જિલ્લામાં આઇપીએલ ક્રિકેટ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમાડતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સીટી એ ડીવીઝન અને વાંકાનેર સીટી…

મોરબી જિલ્લામાં આઇપીએલ ક્રિકેટ મેચ પર રનફેર અને હારજીતનો જુગાર રમાડતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી સીટી એ ડીવીઝન અને વાંકાનેર સીટી પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર જુગાર રમતા કુલ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, જ્યારે તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવની વિગત મુજબ, મોરબી સીટી એ ડીવીઝન પોલીસે શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપીંગની પાછળ આવેલા એક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ત્યાં આરોપી મોસીન ઉમેદભાઇ વલીયાણી અને જીજ્ઞેશ કાન્તીભાઇ રામોલીયા પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી ટી-20 ક્રિકેટ મેચ પર રનફેર ઉપર રૂૂપિયાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ જયદીપ ઉર્ફે જલો નામના શખ્સ પાસેથી ક્રિકેટ મેચની આઇડી મેળવીને આ જુગાર રમ્યો હતો. પોલીસે સ્થળ પરથી 5,500 ની રોકડ, 40,000ની કિંમતના 4 મોબાઈલ ફોન અને 50,000ની કિંમતનું મોટરસાયકલ (જીજે-21-ડીડી-5010) મળી કુલ 1,05,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને બે આરોપીઓની અટકાયત કરી ફરાર જયદીપને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે નવાપરાના નાકા પાસે નેશનલ હાઈવે સર્વિસ રોડ પર દરોડો પાડીને ટાટા આઇપીએલ ક્રિકેટ મેચ પર જુગાર રમતા મહમંદઅલી ઉર્ફે ગટીભાઇ સુમારભાઇ હાલાને ઝડપી લીધો હતો. આ આરોપી પોતાના મોબાઈલ ફોન દ્વારા પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચાલતી મેચ પર અન્ય એક મોબાઈલ નંબર 96389 45501 ના ધારકને જુગારના સોદા લખાવતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી 750 ની રોકડ રકમ અને 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ 10,750 નો મુદ્દામાલ જપ્ત કરી મહમંદઅલીની અટકાયત કરી છે, જ્યારે સોદા લેનાર અન્ય ફરાર આરોપીને શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *