વડિયામાં માલધારીઓના પશુઓમાં એક રહસ્યમય રોગચાળો ફાટી નીકળ્યો છે. અજાણ્યા રોગના કારણે ઘેટા-બકરાના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને પગલે સ્થાનિક માલધારીઓમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપ્યો છે.અમરેલી જિલ્લાનું વડિયા શહેર અત્યારે પશુધનના મોતના માતમમાં ડૂબ્યું હોય તેવા દ્રષ્યો જોવા મળી રહ્યા છે . અહીં અચાનક જ આવી પડેલી આ આફતથી માલધારીઓ ભારે ચિંતામાં મુકાયા છે. કોઈ અજાણ્યા અને રહસ્યમય રોગના કારણે ઘેટા-બકરાં અચાનક બીમાર પડી રહ્યા છે અને જોતજોતામાં દમ તોડી રહ્યા છે. વડિયા શહેરમાં અત્યાર સુધીમાં અંદાજીત 80 જેટલા નિર્દોષ પશુઓના કરુણ મોત નિપજ્યા છે, જેને કારણે માલધારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા ગામના સરપંચ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. તેમણે પશુ આરોગ્ય વિભાગને આ અંગે જાણ કરતા જ તાલુકાની પશુ ચિકિત્સકોની ટીમો તાબડતોબ વડિયા દોડી પહોંચી છે. આ રહસ્યમય રોગ કયો છે અને શેના કારણે ફેલાઈ રહ્યો છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂૂ કરવામાં આવી છે. વડિયા અને આસપાસના વિસ્તારના અંદાજે 1200 જેટલા પશુઓના બ્લડ અને અન્ય સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ સેમ્પલ લીધા બાદ લેબોરેટરીમાં તેની સઘન તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જ રોગનું ચોક્કસ નિદાન થઈ શકશે અને તે મુજબ પશુઓને યોગ્ય સારવાર અને રસીકરણ આપવામાં આવશે. પરંતુ હાલ પૂરતું, આ અજાણ્યા રોગે માલધારીઓની ઊંઘ હરામ કરી દીધી છે.
