જામનગરમાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન દરમિયાન 80 વર્ષીય વૃદ્ધ મહિલાનો જોરદાર વિરોધ

મહિલા પોલીસ સાથે ઝપાઝપી,બટકા ભર્યા: આખરે બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે ખસેડાયા જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન…

મહિલા પોલીસ સાથે ઝપાઝપી,બટકા ભર્યા: આખરે બળજબરીથી પોલીસ જીપમાં બેસાડી પોલીસ મથકે ખસેડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરાયેલી ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ભારે હંગામાનો માહોલ સર્જાયો હતો. કાર્યવાહી દરમિયાન આશરે 80 વર્ષીય વૃદ્ધ મહિલા નંદુબેન એ મનપાની ટીમ અને પોલીસ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

માહિતી મુજબ મનપાની ટીમ દબાણ દૂર કરવા માટે સ્થળ પર પહોંચી ત્યારે નંદુબેન પોતાના મકાન પાસે જ બેસી ગયા હતા, અને ડિમોલિશન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થળ પર હાજર મહિલા પોલીસ કર્મચારીઓ તથા અન્ય પોલીસ જવાનોએ તેમને સમજાવી સ્થળ પરથી હટાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ નંદુબેન કોઈ રીતે ત્યાંથી ખસવા તૈયાર નહોતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ નંદુબેને ભારે પ્રતિકાર કરતાં મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન કેટલાક પોલીસ કર્મચારીઓને ધક્કા માર્યા હોવાના તેમજ મહિલા પોલીસ કર્મચારીઓને બટકા ભરી લીધાના દ્રશ્યો પણ સર્જાયા હતા. મહિલા પોલીસ કર્મચારીઓએ વારંવાર વિનંતી કરતાં કહ્યું હતું કે, માજી, સહકાર આપો અને અમારી સાથે શાંતિથી ચાલો, છતાં નંદુબેનનો વિરોધ યથાવત રહ્યો હતો.

પરિસ્થિતિ વધુ તંગ બનતા પોલીસ દ્વારા ટિંગાટોળી કરવામાં આવી હતી, અને આખરે વૃદ્ધ મહિલાને બળજબરીપૂર્વક પોલીસની જીપમાં બેસાડી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ખસેડવામાં આવ્યા હતા.
વૃદ્ધ મહિલાને સ્થળ પરથી દૂર ખસેડ્યા બાદ મહાનગરપાલિકાની ટીમે ડિમોલિશનની આગળની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *