કોડીનારના અરણેજમાં દીપડાના હુમલાથી આઠ વર્ષની બાળકીનું મોત

કોડીનાર તાલુકાના અરણેજ ગામે દીપડાના હુમલામાં આઠ વર્ષની બાળકીનું મોત થયું છે. રાત્રિના સમયે દીપડાએ બાળકી પર હુમલો કરી તેને ફાડી ખાધી હતી. બે કલાકની…

કોડીનાર તાલુકાના અરણેજ ગામે દીપડાના હુમલામાં આઠ વર્ષની બાળકીનું મોત થયું છે. રાત્રિના સમયે દીપડાએ બાળકી પર હુમલો કરી તેને ફાડી ખાધી હતી. બે કલાકની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ ઘર નજીકના બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો.

આ ઘટના અરણેજ ગામના બીડી ના પા વિસ્તારમાં બની હતી. ખેડૂત મહેશભાઈ રામભાઈ ગોહિલની આઠ વર્ષની દીકરી કોમલ અને તેની બાર વર્ષની મોટી બહેન વિશ્વા રાત્રે આશરે 8:30 વાગ્યે પોતાના વાડી વિસ્તારના મકાનથી 200 મીટર દૂર આવેલા મોટા બાપાના ઘરે એક પ્રસંગમાં જઈ રહી હતી.મોટી બહેન વિશ્વા આગળ હતી અને કોમલ પાછળ ચાલી રહી હતી, ત્યારે અચાનક દીપડાએ કોમલ પર હુમલો કર્યો. દીપડો કોમલને પોતાના ઝડબામાં ફસાવી મકાન પાસે આવેલા બાજરીના ખેતરમાં નાસી ગયો હતો. વિશ્વાએ દેકારો મચાવતા ઘરના સભ્યો અને ગામના યુવાનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

વન વિભાગને જાણ કરાતા જામવાળા વન વિભાગની ટીમો પણ પહોંચી હતી. આશરે બે કલાકની જહેમત બાદ દીકરીનો મૃતદેહ ઘરની નજીક બાજરીના ખેતરમાંથી મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, વન વિભાગે આદમખોર બનેલા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ અને ખેડૂતોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *