ગીરસફારીમાં VIPને ‘રાજી કરવા’ ગાયનું લાઇવ મારણ કરાવાયું?

જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ, સંગઠનો અને એક જાગૃત નાગરિકે તટસ્થ તપાસ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો દુબળી-પાતળી ગાય માલધારીઓની ન હોય, લાયન શો પૂર્વ આયોજીત હોવાનો…

જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ, સંગઠનો અને એક જાગૃત નાગરિકે તટસ્થ તપાસ કરવા રાજ્યપાલને પત્ર લખ્યો

દુબળી-પાતળી ગાય માલધારીઓની ન હોય, લાયન શો પૂર્વ આયોજીત હોવાનો આક્ષેપ

ગીરમાં સફારી પાર્કમાં બે દિવસ પહેલા ચાલુ સફારીએ સિંહે લાઇવ ગાયનું મારણ કર્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયો પરથી મારણ માટે પુર્વ આયોજન કરી કોઇ વીઆઇપી મહેમાનને રાજી કરવાનો હેતુ હોવાની શંકા છે. તેવો જાગૃત નાગરીકે રાજયપાલને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જાગૃત નાગરીક અશ્ર્વિન મણીયારે જણાવ્યું છે કે, આ ઘટના સફારીમાં કઇ જગ્યાએ બની, ફોટોગ્રાફી કરનાર કોણ હતું? વાહનોમા કોણ કોણ હતા, ગૌવંશ સફારીમાં કઇ રીતે આવ્યું? સગવડતા કોણે પુરી પાડી? સહીતની બાબતો તપાસ કરી દોષિતોને સજા કરવામાં આવે તેવી જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ તેમજ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ગીર જંગલમાં સિંહ દ્વારા ગાયનો શિકાર કરવામાં આવ્યાનો એક વીડિયો જે-તે વખતે તો સારો એવો વાયરલ પણ થયો અને સિંહદર્શન કરવા ગયેલા પ્રવાસીઓ જવલ્લે જ જોવા મળતા દ્રશ્યો નિહાળી શક્યા એ વાત પણ નોંધનીય બની પરંતુ હવે કેટલાક તર્ક સાથે એવી આશંકા પ્રવર્તવા લાગી છે કે ગેરકાયદે શિકાર ગોઠવી લાયન શો કરવામાં આવ્યો હતો. ગીર જંગલ સફારી પાર્કમાં થોડા દિવસ પહેલા રુટ પર દોડતી આવતી એક ગાયનો સિંહ અને સિંહણે શિકાર કર્યાનો વીડિયો વાયરલ થયો હતો.

જંગલમાં ગાય એકલી હોતી નથી, તંત્ર દ્વારા આ ગાય નેસ વિસ્તારમાંથી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ વીડિયોમાં જે જોવા મળે છે તેના પરથી ગાય ગભરાયેલી હાલતમાં આવી રહી છે. થોડે દૂરથી જ છોડવામાં આવી હોવાનું અનુમાન છે.આ ગાય દુબળી-પાતળી જોવા મળે છે પરંતુ માલધારીઓ પાસેની ગાય દુબળી-પાતળી હોતી નથી. આ વીડિયો પર જે મુજબ સિંહ-સિંહણ શિકાર કરે છે તે એક જાતનો શો હોય એવી જ શંકા છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવામાં આવે એવી જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘ તેમજ અન્ય સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે.

રાજુલામાં સિંહબાળને કચડી નાખનાર રાજસ્થાની કારચાલક ઝડપાયો
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ નજીક સિંહબાળને ટક્કર મારી મોત નીપજાવનાર સ્વીફ્ટ કારના ચાલકની વનવિભાગે કોબડી ટોલનાકા પાસેથી અટકાયત કરી છે. સીસીટીવી ફૂટેજ અને સઘન તપાસના આધારે રાજુલા વનવિભાગની 4 ટીમોએ ગણતરીના કલાકોમાં આ અકસ્માતનો કેસ ઉકેલી નાખ્યો છે. વનવિભાગે સ્થાનિક લોકોની પૂછપરછ કરવાની સાથે હાઈવે પરની હોટલો, પેટ્રોલ પંપ અને ટોલનાકાના ઈઈઝટ ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ સ્વીફ્ટ કાર (નંબર: GJ 27 EG 8613) અંગે કડી મળતા વનવિભાગની ટીમે મહુવા નજીક કોબડી ટોલનાકા પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. કાર ચાલક ઈંદરસિંહ છતરસિંહ રાવત (રહે. રાજસ્થાન)ની પૂછપરછ કરતા તેણે અકસ્માતની કબૂલાત કરી હતી. આરોપી દીવથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી કારે સિંહબાળને અડફેટે લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *