જૂનાગઢ સ્પામાં યુવતીના આપઘાત બાદ પોલીસે 35 સ્પામાં દરોડા પાડ્યા, આઠ સંચાલકો સામે ગુનો નોંધાયો

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ જેવા પોશ વિસ્તારમાં એક સ્પામાં બે દિવસ પહેલા આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ હરકતમાં…

જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ જેવા પોશ વિસ્તારમાં એક સ્પામાં બે દિવસ પહેલા આત્મહત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ ગંભીર ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે સ્પા સેન્ટરોમાં ચાલતી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવાનું શરૂૂ કર્યું હતું. સુરક્ષાના નિયમોનું પાલન ન કરનારા સંચાલકો સામે એસ.ઓ.જી. દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય સ્પા માલિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

ઝાંઝરડા ચોકડી પાસે સ્થિત ’નેચરલ સ્પા’માં કામ કરતી મૂળ ઉત્તર પ્રદેશની 36 વર્ષીય બબીતા શોભિત નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે બી.એન.એસ. કલમ 194 હેઠળ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્પા સેન્ટરોમાં કામ કરતી યુવતીઓની સુરક્ષા અને ત્યાંના આંતરિક વાતાવરણ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ આત્મહત્યાના બનાવ બાદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી., એલ.સી.બી. અને પેરોલ ફ્લોની ટીમોએ સંયુક્ત રીતે શહેરના અંદાજે 35થી વધુ સ્પા સેન્ટર પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અનેક સંચાલકો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સુરક્ષાના જાહેરનામાનો સદંતર ઉલ્લંઘન કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને બહારના રાજ્યના કર્મચારીઓની જાણકારી પોલીસને ન આપવી અને સીસીટીવી કેમેરાનું ફરજિયાત 30 દિવસનું બેકઅપ ન રાખવા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી.

પોલીસની આ તપાસ દરમિયાન શહેરના 8 જાણીતા સ્પા સેન્ટરોના માલિકો સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધ પ્રીમિયમ ફેમિલી સ્પાના દિલીપ સાગઠીયા, ડોલ્ફિન ફેમિલી સ્પાના ભરત વાળા, ધ ફેમિલી સ્પાના આનંદ સોલંકી અને બેસ્ટ ફેમિલી સ્પાના હિતેશ વીરાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ધ ગોલ્ડન તુલીપ સ્પાના ઉત્પલ સોલંકી, રીલેક્ષ સ્પાના સુજાતા તમંગ, ઓરા ફેમિલી સ્પાના હિતેશ ચારોલા અને ધ હેવન ફેમિલી સ્પાના ધર્મેશ પુજારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *