કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ અંગે એક મોટો નિર્ણય લીધો છે. દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મુક્યો છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય (DGFT)એ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
સરકારના આ આદેશ મુજબ, કાચી (Raw), સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક લગાવવામાં આવી છે. વધુમાં, આ પ્રતિબંધના સમયગાળાને પરિસ્થિતિ મુજબ ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે.
આ પ્રતિબંધ તમામ પ્રકારની નિકાસ પર લાગુ થશે નહીં. નીચેની શરતો હેઠળ ખાંડની નિકાસ ચાલુ રાખી શકાશે:
CXL અને TRQ ક્વોટા: યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા (USA) માં CXL અને TRQ ક્વોટા હેઠળ થતી નિકાસને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ (AAS): આ સ્કીમ હેઠળ થતી નિકાસ પર પ્રતિબંધ લાગુ પડશે નહીં.
સરકારી સ્તરે નિકાસ (G2G): અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા (Food Security) ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારથી સરકાર (Government-to-Government) વચ્ચે થતા શિપમેન્ટને મંજૂરી અપાશે.
ચાલુ નિકાસ: જે કન્સાઇનમેન્ટ્સ પહેલેથી જ એક્સપોર્ટ પાઈપલાઈનમાં છે અથવા ભૌતિક રીતે નિકાસની પ્રક્રિયામાં છે, તેમને પણ મુક્તિ આપવામાં આવી છે.
