પારો 44 ડીગ્રી આસપાસ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી
રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ ઓછી થવાનું નામ લેતી નથી. સમગ્ર જનજીવન પ્રભાવિત થઇ ગયુ છે. એવામાં ફરી ત્રણ દિવસ યલ્લો એલર્ટ જાહેર થયુ છે. તાપમાનનો પારો 44 ડીગ્રી આસપાસ રહેશે તેવી હવામાન ખાતાની આગાહી વચ્ચે લોકોને બપોરે 12 થી 5 દરમિયાન શક્ય હોય ત્યા સુધી સીધો જ તાપ આવે તેવી ખુલ્લી જગ્યામાં ન જવા માટે મનપાએ સલાહ આપી છે.
રાજકોટમાં આ વર્ષે ઉનાળાએ બોકાસો બોલાવી નાંખ્યો છે. બપોરે 12 થી 4 સુધી તો આભમાંથી રિતસર અગનવર્ષ થતી હોય તેવો અંગ દઝાળતા તાપમાંથી લોકો અકળાઇ ઉઠે છે. એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ વેકેશનના દિવસોમાં જ શહેર અગનભઠ્ઠી બની ગયુ છે. હજુ પણ ચાર દિવસ એટલે કે તા.14મી સુધી લોકોને હીટવેવમાંથી મુક્તિ મળવાની નથી તેવી ચિંતાજનક આગાહી સાથે હવામાન ખાતાએ એકવખત યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે.
આ સાથે મનપાએ સાવચેતીના પગલારૂૂપે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બપોરે 1 થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા કે બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારીમાં હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવુ તેવો અનુરોધ કર્યો છે.
આમછતા નીકળવુ પડે તેવી સ્થિતિમાં ટોપી પહેરવી, સુતરાવ કપડા પહેરવા, સતત થોડી થોડી વારે લીંબુ પાણી અથવા કોઇ પ્રવાહી (ચીલ્ડ કોલ્ડ ન હોય તેવુ પીવુ), ચક્કર આવે કે જીભ સુકાય એવી સ્થિતિમાં જે સ્થળે હોય તેની નજીક છાયડો શોધીને થોડીવાર ત્યાં બેસી જવુ. એમછતા પણ જો તબિયતમાં ફરક ન લાગે તો કોઇની મદદ લઇને તુરંત 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલ પહોંચી જવુ.
રાજ્યમાં ક્યાં કેટલું મહતમ તાપમાન
સુરેન્દ્રનગર – 45.5
રાજકોટ – 44
ઇડર – 44
કંડલા – 43.90
અમદાવાદ – 43
અમરેલી – 43
ગાંધીનગર – 42.80
ડીસા – 42.70
ભાવનગર – 42
જામનગર – 42
જૂનાગઢ – 42
આણંદ – 42
