વડાપ્રધાનનો જાજરમાન રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત, ડમરૂના નાદથી વાતાવરણ બન્યું અલૌકિક
સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પી.એમ. મોદીના હસ્તે બીડું હોમાયું, પવિત્ર કુંભાભિષેક વિધિમાં પણ હાજરી
મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી, વૈદિક મંત્રોચ્ચાર સહિતના ધાર્મિક કાર્યક્રમો બાદ જંગી જાહેરસભાને સંબોધન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગર બાદ આજે સવારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના શરણમાં પહોંચ્યા હતા અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃતપર્વ-2026’માં સહભાગી થયા હતા. આ પૂર્વે હેલીપેડથી સોમનાથ મંદિરના હમીરજી સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો.
કેસરીયા રથમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવાર થયા હતા અને એક કિલોમીટર લાંબા રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સોમનાથમાં ભક્તિ અને શક્તિના સંગમ જેવા અદભુત દ્રશ્યો સર્જાયા હતા. વડાપ્રધાનના રથની આગળ કેસરી કપડામાં સજજ સેવકો દ્વારા ડમરૂનો નાદ કરાયો હતો. જયારે રૂટની બન્ને તરફ હજારો લોકોએ પરંપરાગત વેશભુષામાં વડાપ્રધાનને ફુલડે વધાવ્યા હતા
.
રોડ શોના રૂટ ઉપર બન્ને તરફ વિવિધ સ્ટેજ ઉપર વેષભુષામાં લાઇવ કાર્યક્રમો તેમજ પરંપરાગત નૃત્યોના પર્ફોર્મન્સથી સમગ્ર સોમનાથ દેદિપ્યમાન જોવા મળ્યું હતું. લોકોનો ઉંબળકો જોઇ વડાપ્રધાને બે હાથ જોડી જનતા જનાર્દનને પ્રણામ કર્યા હતા.
હમીરજી સર્કલ ખાતે રોડ શો પુર્ણ થયા બાદ વડાપ્રધાન અને અન્ય મહાનુભાવો પગપાળા મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. જયાં ચાલી રહેલ હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પુર્ણાહુતિ પ્રસંગે વડાપ્રધાન મોદીએ બીડુ હોમ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવની વિશેષ પુજા- અર્ચના કરી વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર કુંભભિષેક તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રોડ શો અને ધાર્મિક અનુષ્ઠાનો પુર્ણ થયા બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું. બપોરનું ભોજન પણ વડાપ્રધાને સરકીટ હાઉસ ખાતે લીધું હતું. જયારે 3.30 વાગ્યા બાદ હેલીકોપ્ટર માર્ગે રાજકોટ જવા રવાના થશે. સાંજે વડોદરા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે સરદાર ધામ ભવનનું લોકાર્પણ થનાર છે અને ત્યારબાદ એરપોર્ટ સુધી રોડ શોનું પણ આયોજન કરાયું છે.
