શહેરના વોર્ડ 11,12 અને 18માં પીવાના પાણી માટે ટેન્કર રાજ

જીવાદોરી સમાન રાજકોટના જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી છતાં હાડમારી, વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ સવાલો રાજકોટ શહેર દિવસે વિકાસની હરણકાળ ભરી રહ્યું છે રાજકોટ શહેર આસપાસના…

જીવાદોરી સમાન રાજકોટના જળ સ્ત્રોતમાં નર્મદાનું પાણી છતાં હાડમારી, વિતરણ વ્યવસ્થા અંગે અનેકવિધ સવાલો

રાજકોટ શહેર દિવસે વિકાસની હરણકાળ ભરી રહ્યું છે રાજકોટ શહેર આસપાસના વિસ્તારોમાં પણ વિકાસ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણા ખરા વોર્ડમાં પીવાના પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે અને વોર્ડ નંબર 11, 12 અને 18 માં પીવાના પાણીનો પ્રશ્ન સર્જાતા ફરી ટેન્કર મંગાવવાનો વારો આવ્યો છે. એક તરફ સૌની યોજના મારફતે સરકાર નર્મદાનું પાણી પણ આપી રહી છે તો આ પ્રકારની પાણીની તંગી થવા પાછળનું મુખ્ય કારણ શું તે તપાસમાં વિષય બન્યો છે. મેરી તરફ મહાનગરપાલિકા દ્વારા એક વર્ષમાં 40,000 નળ જોડાણ આપવાનો દાવો પણ કર્યો હતો છતાં પણ આ ત્રણ વોર્ડમાં કરવાના પાણીનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સતાવતો હોવાની વિગતો સામે આવી છે.

વાસ્તવિકતા એ છે કે, શહેરના અનેક વિસ્તારો આજે પણ ટેન્કર રાજ છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારના નાગરિકો પીવાના પાણી જેવી પાયાની જરૂૂરિયાત માટે વલખાં મારી રહ્યા છે. શહેરના ઇસ્ટ અને વેસ્ટ ઝોન હેઠળના રાજકોટના છેવાડાના વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે, લોકોમાં પાણી માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમાં પણ વોર્ડ નંબર 11, 12 અને 18ના વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે.આ ત્રણ વોર્ડના નાગરિકોએ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. રાજકોટમાં દૈનિક 400 એમએલડી પાણીની જરૂૂરિયાત છે. વિતરણ વ્યવસ્થા માં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે. પરિણામ સ્વરૂૂપે ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે.

વોર્ડ નંબર 11 અને 12ના વિસ્તારોમાં જળસ્તર સાવ ડુકી ગયા છે.આ બન્ને વોર્ડમાં અહીંના હાઈરાઈઝ બિલ્ડિંગોમાં વર્ષો જૂના બોર હવે ડુકી ગયા છે. જે બોર ચાલુ છે તેમાં ક્ષારયુક્ત પાણી આવતું હોવાથી તે પીવાલાયક રહ્યું નથી. આંકડાકીય વિગતો મુજબ, વેસ્ટઝોનના અંદાજે 16 જેટલા વિસ્તારોમાં 28,277 ફ્લેટ ધારકોને દરરોજ અંદાજે 3,60,000 લીટર પાણી ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યું છે. મનપા તંત્ર આ વિસ્તારોમાં પાઈપલાઈન નેટવર્ક પહોંચાડવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે. રંગોલી પાર્ક આવાસ યોજનાના 1164 ફ્લેટ ધારકો છેલ્લા 10 વર્ષથી નળ કનેક્શનની રાહ જોઈ રહ્યા છે. ગત વર્ષે રાજકોટમાં 40 હજાર નળ જોડાણ અપાયાનો દાવા વચ્ચે મહાનગરપાલિકા પોતે જ બનાવેલી આવાસ યોજનામાં પાઇપલાઇન નાખવામાં નિષ્ફળ ગઇ છે. આ કારણે અહીં દરરોજ 5000 લીટરની ક્ષમતાના 35 ટેન્કરો મારફત એક લાખ 75 હજાર લીટર પાણીનું વિતરણ કરવામાં આવે છે.

પૂર્વ રાજકોટ એટલે કે ઈસ્ટઝોનના વિસ્તારોમાં તો સ્થિતિ વેસ્ટઝોન કરતા પણ વધુ ખરાબ છે. વોર્ડ નંબર 18 અને વાવડીના છેવાડાના વિસ્તારોમાં હજુ સુધી પાણીની મુખ્ય પાઈપલાઈન જ પહોંચી નથી. મફતીયા પરા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે પાણી મેળવવું એ રોજિંદો જંગ બની ગયો છે. વાવડી અને લક્ષ્મીના ઢોળા જેવા વિસ્તારોમાં ડંકીઓ ડુકી જવાને કારણે મહિલાઓને એક બેડાં પાણી માટે દૂર સુધી ભટકવું પડે છે. તંત્ર દ્વારા ટેન્કર માટે ટેન્ડરો તો બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ એજન્સીઓ દ્વારા સમયસર પાણી પહોંચાડવામાં આવતું નથી તેવી ફરિયાદો મંછાનગર અને આસપાસના વિસ્તારોમાંથી સતત ઉઠી રહી છે.

સરકારની નલ સે જલ યોજના નિષ્ફળ

આકરાં ઉનાળામાં શહેરીજનોની પાણીની મુખ્ય જરૂૂરિયાત પુરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. અનેક વિસ્તારોમાં હજી પાણીની લાઇન નાખવામાં જ તંત્ર નિષ્ફળ રહ્યું હોય સરકારની નલ સે જલ યોજના પણ આ વિસ્તારમાં સદંતર નિષ્ફળ નીવડી છે. જો આટલા મોટા પાયે ટેન્કરો દોડાવવાની નોબત આવી હોય, તો આગામી મે અને જૂન મહિનાના આકરા તાપમાં સ્થિતિ વધુ વણસી શકે છે. શહેરીજનોની એક જ માંગ છે કે તંત્ર તેમને ટેન્કરના ભરોસે રાખવાને બદલે યુદ્ધના ધોરણે પાઈપલાઈનનું કામ પૂર્ણ કરે અને દરેક સોસાયટી તથા આવાસ યોજનામાં કાયમી નળ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરાવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકરોષ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *