મનપાના ફતવાથી કરદાતાઓ પરેશાન: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિયમ નથી છતાં પણ વેરા શાખાની “મનસૂફી”
મહાનગરપાલિકાની મહત્વની ગણાતી એવી વેરા વસુલાત વિભાગ દ્વારા હાલ વસુલી કરવાનું શરૂૂ કરી દીધું છે ત્યારે જે કાયમી સમયસર પોતાનો વેરો ભરી રહ્યા છે તેવા મિલકત ધારકો વેરાવળતર યોજનાનો પણ લાભ લેવા માટે આગળ આવ્યા છે પરંતુ મહાનગરપાલિકાની અણધડ નીતિના કારણે મિલકત ધારકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. હાલ જે વિગત મળી રહી છે તેને ધ્યાને લેવામાં આવે તો મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા વેરો ફરવા આવતા મિલકત ધારકોએ આધાર કાર્ડ પર આપવું પડે છે જેને લઈને ભારે મુશ્કેલી અને હાલાકીનો સામનો મિલકત ધારકોએ કરવું પડતું હોવાની ચર્ચા એ ચોર પકડ્યું છે.
મહાનગરપાલિકાની જ લીગલ શાખા દ્વારા રીઝર્વ બેંકના નિયમોની ઉપરવટ જઇને એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં ચેક મારફત વેરો ભરનારા મિલકતધારકોને ચેકની સાથે હવે આધારકાર્ડ પણ આપવું પડશે. જો કે મહાનગરપાલિકા દ્વારા આ માટે મિલકતધારકોને કોઇ જાણ કરવામાં આવી નથી. પણ માત્ર મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરો વેરા વસુલાત શાખા અને વોર્ડ ઓફિસોને જ પરિપત્ર મોકલીને જાણ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આ નવા નિયમના કારણે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
વેરાવળતર ન લાભ લેવા માટે ઘણા ખરા મિલ્કતધારકો ચેક મારફત વેરો ભરપાઇ કરી રહ્યા છેે ત્યારે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. મિલકતધારકો ત્રણેય ઝોન ઓફિસ, સિવિક સેન્ટર કે વોર્ડ ઓફિસમાં વેરાનો ચેક આપે ત્યારે તેની સાથે હવે આધારકાર્ડ માંગવામાં આવતાં અરજદારો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે માથાકુટ થાય છે. એક તો મહાનગરપાલિકા દ્વારા મિલકતધારકોને કોઇ જાણ કરવામાં આવી નહોય તેઓ આધારકાર્ડ વગર જ ચેક આપે તો તેનો સ્વીકાર કરવામાં આવતો નથી. આ કારણે મિલકતધારકો અને મહાનગરપાલિકાના સ્ટાફ વચ્ચે માથાકુટના બનાવો રોજીંદા બની ગયા છે. ચેક મારફત વેરો ભરનારા દરેક મિલકતધારક પાસેથી આધારકાર્ડ માંગવું શક્ય નથી અને આરબીઆઇનો આવો કોઇ નિયમ પણ નથી. ત્યારે લીગલ શાખાના આ પરિપત્રએ વિવાદ સર્જ્યો છે.
મહાનગરપાલિકાના સુત્રોના કહેવા મુજબ, જે મિલકતધારક ચેક મારફત વેરો ભરપાઇ કરે છે તેમાંથી અનેક ચેક રિટર્ન થાય છે. આવા સંજોગોમાં મિલકતધારકને જાણ કરવા છતાં તેઓ નાણાં ભરપાઇ કરતાં હોતા નથી. બીજી બાજું ચેક રિટર્ન થવાના કિસ્સામાં જો મહાનગરપાલિકા નેગોશિએબલ એક્ટ હેઠળ કાનુની કાર્યવાહી કરે તો અદાલત દ્વારા જે તે મિલકતધારકનો જ ચેક છે કે કેમ ? તે જાણવા આધારકાર્ડ સહિતના પુરાવા માંગે છે. અત્યાર સુધી જ્યારે ચેક પરત ફરતાં ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે તે બેંકમાંથી મિલકતધારકની વિગતો મેળવી લેતી હતી. પણ, કેટલીક વખત બેંક તેમના ખાતેદારની વ્યક્તિગત વિગતો આપવાનો ઈન્કાર કરે છે.
આ પરિસ્થિતિમાં મહાનગરપાલિકાને કાનુની કાર્યવાહીમાં મુશ્કેલી પડે છે. આ કારણે મહાનગરપાલિકાની એડવોકેટ પેનલ દ્વારા ચેક રિટર્નના કેસમાં નેગોશિએબલ એક્ટ હેઠળ કાનુની કાર્યવાહીમાં સરળતા રહે તે માટે ચેક સાથે જે તે વ્યક્તિના આધારકાર્ડ પણ જોડવા સુચન કરાયું છે. આ સુચનના આધારે લીગલ શાખાએ પરિપત્ર કરીને વેરા વસુલાત શાખાને જાણ કરી છે. અને આ પરિપત્ર આધારે વેરા વસુલાત શાખા દ્વારા ચેકની સાથે આધારકાર્ડ માંગવામાં આવી રહ્યું છે.
