રાજકોટની નજીક પાળની સીમમાં મેઈન રોડ પર અનેક પાર્ટી પ્લોટ આવેલા છે. આ પૈકીના વિવાહ પાર્ટી પ્લોટની ગણતરી મોંઘા અને સારામાં થાય છે. જો કે આ પાર્ટી પ્લોટ માત્ર ખાનગી માલિકી નહીં પણ સરકારી જમીન પર ખડકાયેલો છે. જે ધ્યાને આવતાં લોધિકા મામલતદારે 12 લાખ રૂૂપિયાનો દંડ ફૂટકાર્યો હતો.
રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કિંગસ્ટોન ફ્લેટ નં. બી 1001માં રહેતા બાબુ રામજી બાંભરોલિયાની જમીન લોધિકાના પાળ ગામે સરવે નંબર 614થી આવેલી છે જેમાં વિવાહ પાર્ટી પ્લોટ બનાવેલો છે. બિનખેતી વગર તેમણે બાંધકામ કરેલું હોવાથી શરતભંગનો કેસ ચાલ્યો હતો.
આ ઉપરાંત 2 એકર 36 ગુંઠા જેટલી જમીન તેઓએ બિનખેતી કરવા ઓનલાઈન અરજી કરી હતી. આ માટે સ્થળ તપાસ કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે પાર્ટી પ્લોટના કામમાં 2400 ચોરસ મીટર એટલે કે 2870 વાર જેટલી જગ્યા સરકારી ખરાબાની સરવે નં. 616ની દબાવી છે. જમીન પર દબાણ હોવાનું સામે આવતાં લોધિકા મામલતદારે કેસ ચલાવ્યો હતો. જેમાં દબાણ બદલ 12 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
પાળ ગામે મુખ્ય માર્ગ પર આવેલા વિવાહ પાર્ટી પ્લોટને સરકારી જમીન પર દબાણ બદલ આકરો 12 લાખનો દંડ ફટકારાયો હતો. પાર્ટી પ્લોટના માલિક બાબુ રામજી બાંભરોલિયાએ હુકમ થતાં જ દંડની રકમ ભરી દીધી હતી અને દબાણ પણ દૂર કરી દીધું હતું. થોડા સમય પહેલાં જ મવડી વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં સરકારી જમીન દબાવી હતી જેમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ થયો હતો. આ ઉપરાંત દબાણ દૂર ન થાય ત્યાં સુધી બિનખેતી પણ ન થાય. આ કારણે કેસ અને ફાઈલ અટકી જવાની ભીંસમાં તાત્કાલિક કામગીરી થઈ છે.
