‘વહીવટ’ નહીં તો ઇમ્પેક્ટ ફી મંજૂર નહી! વ્યાપક દેકારા વચ્ચે 6634 ફાઈલો અટકી

ત્રણેય ઝોનમાં થઇને કુલ 15322 ફાઇલ ઇન્વર્ડ થઇ હતી, મંજૂર થઇ માત્ર 5325, 3363 નામંજૂર રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખાનો ભ્રષ્ટાચાર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ…

ત્રણેય ઝોનમાં થઇને કુલ 15322 ફાઇલ ઇન્વર્ડ થઇ હતી, મંજૂર થઇ માત્ર 5325, 3363 નામંજૂર

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખાનો ભ્રષ્ટાચાર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ છાપરે ચડ્યા બાદ ટીપી શાખાની મોટાભાગની કામગીરી કાચબાગતિથી ચાલી રહી છે. જેમા ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામને કાયદેસર કરવા માટે મુકાયેલી 6634 ફાઇલો હાલ એકબીજા ટેબલ પર ગોથે ચડી રહી છે. ગુજરાતના મહાનગરોમાં ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવ્યો છે. જેમાં ગેરકાયદે બાંધકામોને નિયત ફી ભરીને રેગ્યુલર કરી શકાય છે. આ યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટે સરકારે બબ્બે વખત મુદત વધારી આપી હતી.

જો કે સ્થાનિક મનપા તંત્રની ટીપી શાખાની આળસવૃતિ કહો કે પછી કાચબાગતિની દાનત! કે પછી ચોક્કસ ઇરાદા(મલાઇદાર)ના સ્વાર્થથી ફાઇલ દબાવી રાખવાની કુનીતિના કારણે હાલ 6634 ફાઇલ અટકેલી પડી છે.અમુક ફાઇલ તો એવી છે કે, દોઢ-બે વર્ષ પહેલા સબમીટ કરાવી દીધી હોવા છતા હજુ સુધી સ્થળ તપાસમાં જ અટવાયેલી પડી છે. અરજદાર કે પછી તેના વતી રોકાયેલા આર્કિટેક પુછપરછ કરવા જાય એટલે દર વખતે નવા નવા વાંધા વચકા કાઢીને ફાઇલ ટલ્લે ચડાવવામા આવી રહી હોવાની પણ વ્યાપક ફરિયાદો છે. ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં આવ્યા બાદ ત્રણેય ઝોનમાં થઇને કુલ 15332 જેટલી ફાઇલ ઇનવર્ડ થઇ હતી.

તેમાથી માંડ 5325 ફાઇલ જ મંજુર થઇ ચુકી છે. એ સિવાય 3336 ફાઇલ નામંજૂર થઇ છે. ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામને રેગ્યુલરાઇઝ કરવામા આવ્યા હોય તેવી માત્ર 6634 ફાઇલ જ મંજુર કરવામા આવી છે. દરમિયાન આર્કિટેક વર્તુળોમાંથી જ એક ચોંકાવનારી વિગત એ પણ પ્રકાશમાં આવી છે કે, ટીઆરપી બાદ ફરી એકવખત નૈવૈદ્ય સિસ્ટમ શરૂૂ થઇ ગઇ છે. ટેબલ નીચેનો વહીવટ કરવામા આવે એટલે ઇમ્પેક્ટની ફાઇલ સળસળાટ મંજૂર થઇ જાય. ટેબલ નીચેના વહીવટ માટે મંજૂર કરવા ફાઇલમાં કોઇને કોઇ પ્રકારના વાંધા કાઢવામા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *