સેવા પરમો ધર્મ: રાજુલામાં બુધવારે નિ:શુલ્ક હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી માંડી મોરારિબાપુ સહિતના અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંચાલનમાં શરૂ થશે અનેરી સેવા અંબરીષ ડેરનો સંકલ્પ સાકાર થયો, મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં…

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીથી માંડી મોરારિબાપુ સહિતના અનેક મહાનુભાવો રહેશે ઉપસ્થિત, વિદ્યાગુરુ ફાઉન્ડેશનના સંચાલનમાં શરૂ થશે અનેરી સેવા

અંબરીષ ડેરનો સંકલ્પ સાકાર થયો, મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીઓનું કોઇ બિલ નહીં બને, સ્વજનો માટે ભોજન પણ નિ:શુલ્ક

સેવા પરમો ધર્મ” આ સુત્રને સાર્થક કરતી તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ આગામી 13મી મેના રોજ અમરેલી જિલ્લાના રાજુલા ગામે લોકાર્પિત થશે. આ ભવ્ય ઉદ્ધઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિશ્વવિખ્યાત કથાકાર મોરારી બાપુ ઉપસ્થિત રહેશે.
અત્રે નોંધનીય છે કે સાવરકુંડલા ગામે વિધાગુરુ ફાઉન્ડેશન દ્વારા ખુબ સુંદર રીતે નિશુલ્ક હોસ્પિટલ વર્ષોથી કાર્યરત છે. સન 2017માં મોરારીબાપુએ કુંડલાની હોસ્પિટલના લાભાર્થે રામકથા આપેલી. એ કથા દરમિયાન જ બાપુની પ્રેરણાથી યુવા અગ્રણી અંબરીષ ડેરે રાજુલામાં આવી નિશુલ્ક હોસ્પિટલનો સંકલ્પ કર્યો હતો. સમાજસેવાના પવિત્ર હેતુથી શરુ થયેલા આ શુભ સંકલ્પને મુંબઈના અનિલભાઈ મહેતાએ પ્રથમ યોગદાન આપી વધાવ્યો. ત્યારબાદ લોકસાહિત્યકાર માયાભાઈ આહિર આ હોસ્પિટલના ભૂમિ દાતા બન્યા.

ઇ.સ.2019માં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટની સ્થાપના કરી રાજુલામાં આ આરોગ્યમંદિરના પાયા નંખાયા.
આશરે 22 કરોડના ખર્ચે સંપૂર્ણ થયેલી આ હોસ્પિટલ માટે અંબરીષ ડેરે ખુબ જહેમત ઉઠાવી છે. આ હોસ્પિટલનું સંચાલન સાવરકુંડલાના વિધાગુરુ ફાઉન્ડેશનના હરિશભાઈ મહેતા અને અન્ય સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે. આગામી 13મેના રોજ સવારે 11 કલાકે રાજુલા ખાતે લોકાર્પિત થનારી આ હોસ્પિટલમાં જાહેર જનતાને પધારવાનું રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ ખાસ આમંત્રણ પાઠવે છે.

જરુરિયાત મંદ લોકો માટેની અધતન મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં દર્દીનું કોઈ બીલ નહીં બને કારણ કે આ હોસ્પિટલ દાતાઓના દિલથી ચાલવાની છે. દર્દીઓની વિનામૂલ્યે સારવાર ઉપરાંત દર્દી સાથેના સ્વજનો માટે ભોજનની પણ નિશુલ્ક વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતના દાતાઓને પણ આ તકે વિનંતી કરવામાં આવી છે કે આપ સૌ આ સેવા કાર્યમાં કુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂૂપે જોડાજો. 13મેના ભવ્ય ઉદ્ધઘાટન સમારોહમાં ગુજરાતના અનેક સંતો મહંતો દાતાઓ તેમજ રાજસ્વી મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજુલાના સર્વે ટ્રસ્ટીઓ પર આ સેવાકાર્ય માટે અભિનંદનની વર્ષા થઈ રહી છે.

ગુજરાત મિરરની મુલાકાતે આવેલા લોક સાહિત્યકાર માયાભાઇ આહીર અને સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, માત્ર દરીદ્રનારાયણની સેવાના ભાવથી શરૂ થનાર આ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયા, ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ, રાજય સરકારના મંત્રીઓ જીતુભાઇ વાઘાણી, અર્જુનભાઇ મોઢવાડીયા, પ્રફુલભાઇ પાનશેરીયા, કૌશિકભાઇ વેકરીયા, ત્રિકમભાઇ છાંગા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ધારાસભ્ય હીરાભાઇ સોલંકી ઉપરાંત અનેક સંતો-મહંતો અને મહાનુભાવો, દાતાઓ વિગેરે ઉપસ્થિત રહેનાર છે.

તેમણે જણાવ્યું હતું કે 10 વિઘા જમીનમાં હોસ્પીટલનું અદ્યતન સંકુલ બનાવવામાં આવ્યું છે અને તેમાં અદ્યતન તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પીટલમાં ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને નિ:શુલ્ક લાવવા-મુકવા માટે વાહનોની પણ ખાસ વ્યસ્થા કરવામાં આવી છે તેમજ હરતા ફરતા દવાખાના જેવી મોબાઇલ વાન પણ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *