થલાપતિએ સમર્થકોનું લિસ્ટ સોપ્યુ પણ રાજભવનમાં રાજરમત શરૂ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ વિજયે કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હોવા છતાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે બહુમતી સાબિત થયા બાદ જ શપથગ્રહણ થઈ શકે તેવી શરત મુકતા સસ્પેન્સ સર્જાયું છે. રાજ્યપાલ રાજ્યમાં સ્થિર સરકાર ઈચ્છતા હોવાથી હાલ કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાના મૂડમાં નથી.
વિજયે ગુરુવારે ફરી એકવાર લોક ભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. અગાઉ બુધવારે તેમણે કોંગ્રેસના ધારાસભ્યોના સમર્થન સાથેની યાદી સોંપી હતી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યપાલ હાલના આંકડાઓથી સંતુષ્ટ નથી. 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે 118 ધારાસભ્યોની જરૂૂર છે. વિજયની પાર્ટી ટીવીકે 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે, પરંતુ હજુ પણ તે બહુમતીના આંકડાથી દૂર છે. વળી, વિજય બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા હોવાથી તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે, જે આંકડાકીય સમીકરણોને વધુ જટિલ બનાવે છે.
બીજી તરફ, વિજયના શપથગ્રહણમાં થઈ રહેલા વિલંબને લઈને સીપીઆઈ (CPI) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પક્ષે જણાવ્યું છે કે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલા ટીવીકેને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવા જોઈએ. શપથગ્રહણ પહેલા જ બહુમતી સાબિત કરવાનું કહેવું તે સ્વીકાર્ય નથી.
અને આ બાબતે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ધ્યાને લેવા જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં જવા તૈયારી
તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) ના નેતા થલાપતિ વિજયે આજે સવારે ફરી એકવાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી હતી. ગત બુધવારે મળેલી નિષ્ફળતા બાદ આ બીજી મહત્વની બેઠક હતી. વિજયે રાજ્યપાલને ખાતરી આપી છે કે તેમનો પક્ષ ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રાજ્યપાલ તરફથી સરકાર રચવાનું આમંત્રણ આપવામાં વિલંબ થશે, તો ટીવીકે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પણ કરી રહ્યું છે. રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર કોઈ પણ પ્રકારની રાજકીય ગૂંચવણ ઊભી કરવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે જે પણ પક્ષ સરકાર રચવાનો દાવો કરે, તે પહેલા જરૂૂરી ટેકાના પત્રો અને નક્કર આંકડાકીય પુરાવા રજૂ કરે. એકવાર બહુમતીની ખાતરી થયા પછી જ સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે અને ત્યારબાદ નિર્ધારિત સમયમાં ગૃહમાં બહુમતી સાબિત કરવાની તક અપાશે.
