સાંઢિયા પુલ તા.20મીએ રેડી, કટારિયા ચોકડીએ કામ 44% પૂર્ણ

મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આપી સત્તાવાર માહિતી, લોકાર્પણ માટેની તારીખ મળે તેની જ રાહ કટારિયા ચોકડીના મુખ્ય ચોકમાં અન્ડરબ્રિજના એક ભાગનો સ્લેબ ભરાઇ ગયો, બીજી બાજુનો…

મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ આપી સત્તાવાર માહિતી, લોકાર્પણ માટેની તારીખ મળે તેની જ રાહ

કટારિયા ચોકડીના મુખ્ય ચોકમાં અન્ડરબ્રિજના એક ભાગનો સ્લેબ ભરાઇ ગયો,
બીજી બાજુનો સ્લેબ તા.20મીએ ભરાશે

કેબલ ઓવરબ્રિજ માટે પિયર(પલ્લર) અને ગર્ડનનું કામ પણ પેરેલેલ ચાલુ, ચોમાસામાં પાણી ભરાવાનો પ્રશ્ન ન રહે એ માટે મોટાભાગના ફાઉન્ડેશન કરી નાખવા કમિશનરની સૂચના

મેટ્રો સિટી તરફ આગેકૂચ કરતા રાજકોટના વિકાસીલ પ્રોજેક્ટમાં હાલ મહત્વના બે એવા જામનગર રોડના સાંઢિયાપુલ અને ન્યૂ રાજકોટનો એન્ટ્રી પોઇન્ટ કાલાવડ રોડ પરની કટારિયા ચોકડીએ બનતા બ્રિજ મુખ્ય છે. એ પૈકી સાંઢિયાપુલનું લોકાર્પણ મનપાની ચૂંટણી પહેલા જુના શાસકોના કાર્યકાળમાં થાય તે માટે શક્ય તેટલા તમામ ઝડપી પ્રયાસ કરવામા આવ્યા હતા પરંતુ કેટલીક ટેકનિકલ અવરોધો વચ્ચે આ શક્ય બન્યુ ન હતુ. જો કે હાલ કામ ફાઇનલ સ્ટેજ પર પુર્ણતાના આરે છે. તા.20મીએ લોકાપર્ણ કરી શકાય તે સ્ટેજ પર કામ સંપુર્ણ કમ્પ્લિટ થઇ જશે તેમ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સિટી ઇજનેર અતુલભાઇ રાવલે જણાવ્યુ હતુ. તો બીજીબાજુ કટારિયા ચોકડીએ સૌરાષ્ટ્રનો પ્રથમ ડબલ ડેકબ કેબલ ઓવરબ્રિજના કામનો ધમધમાટ પણ રાઉન્ડ ધી ક્લોક ચાલી રહ્યો છે. આ બ્રિજનું કામ 44 ટકા પુર્ણ થઇ ચુક્યુ હોવાનું પ્રોજેક્ટ ઇન્ચાર્જ સિટી ઇજનેર કુંતેશભાઇ મહેતાએ જણાવ્યુ હતુ.

રાજકોટ શહેરની અંદર હેવી વાહનોનો ટ્રાફિક ન રહે અને રાજકોટની ભાગોળેથી હાઇ-વે પર જનાર વાહનચાલકોને અનુકુળ રહે એ માટે શહેરની ફરતે બાવન કિલમીટરનો રિંગરોડ-2 બન્યો છે. આ રિંગરોડ વચ્ચે આવતા રાજકોટના એન્ટ્રી ગેટ એવી કટારિયા ચોકડીએ થતા ટ્રાફિક જામનો કાયમી ઉકેલ લાવવા સૌરાષ્ટ્રનો પ્રથમ કેબલ ડબલ ડેકર(નીચે અન્ડરબ્રિજ અને ઉપર ઓવરબ્રિજ)નું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. હાલ સુધીમાં બ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ કામો મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ ચૂક્યા છે અને બાકી રહેલા કામો પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે.

કટારિયા ચોકડીના આ બ્રિજના સમગ્ર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં અંદાજે 23,000 ક્યુબિક મીટર કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ગ્રેડના કોંક્રીટનો સમાવેશ થાય છે. ઉપરાંત અંદાજે 1,600 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે કામગીરી ઝડપી ગતિએ આગળ ધપાવવામાં મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા ખુદ અંગત રસ દાખવીને ડે ટુ ડે પ્રોગેશ રિપોર્ટ મેળવી રહ્યા છે.

કટારિયા ચોકડી બ્રિજના કામનું અત્યાર સુધીનું પ્રોગેશ
બ્રિજના કુલ 26 પિયર પૈકી તમામ 26 પિયરનું કામ પૂર્ણ
પિયર કેપના તમામ 26 કામ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે.
કુલ 104 ગર્ડરમાંથી અત્યાર સુધીમાં 75 ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યા
અત્યાર સુધીમાં 36 ગર્ડર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે.
કાલાવડ રોડની બંને બાજુ મળીને કુલ 786 રનિંગ મીટર અંડરપાસમાંથી 466 રનિંગ મીટર કામ પૂર્ણ
અંડરપાસના બોક્સ રાફ્ટના બંને કામ પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બોક્સ સ્લેબના બેમાંથી એક સ્લેબનું કામ પૂર્ણ
બીજા સ્લેબનું શટરિંગ કાર્ય હાલમાં પ્રગતિમાં છે.
બ્રિજના એપ્રોચ માટે બનાવવામાં આવતી રિટેનિંગ વોલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં મુરમ ફીલિંગ કામ પ્રગતિમાં છે.
સમગ્ર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં અંદાજે 23,000 ક્યુબિક મીટર કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
1,600 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાંઢિયા પુલ પર 360 ટન(3.60 લાખ કિલો) ટન વજન ચડાવી કરાયુ લોડ ટેસ્ટિંગ

માટી, સિમેન્ટ, કોંક્રિટ, લોખંડ ભરેલા 15 ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રખાયા
સાંઢિયાપુલ પર વાહનો સળસળાટ દોડતા થઇ જાય એ દ્રશ્યો જોવામાં હવે બહુ રાહ જોવી નહીં પડે. બ્રિજ રેડી ટુ યુઝ પોઝિશનમાં તૈયાર થઇ ચુક્યો છે. તા.20મીએ બ્રિજનું કામ સંપુર્ણપણે પુરુ કરી દેવામા આવશે. પુલનું લોન્ડ ટેસ્ટિંગ પણ ગઇકાલે સાંજે કરવામા આવ્યુ હતુ. માટી, સિમેન્ટ, કોંક્રિટ અને લોખંડ ભરેલા 15 મોટા ડમ્પરને એકસાથે પુલ પર ઉભા રાખવામા આવ્યા હતા. આશરે 360 ટન એટલે કે 3.60 લાખ કિલો વજન એકસાથે પુલ પર ચડાવીને રાખી મુકવામા આવ્યા હતા. બ્રિજમાં કોઇ વાઇબ્રેશન આવ્યુ ન હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *