જામનગર પાલિકા દ્વારા NOC અને BU પરમિશનના અભાવે બે હોટલો સીલ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ ઉપયોગ પરમિશનની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ બે હાઇવે હોટલો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી…

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અને બિલ્ડિંગ ઉપયોગ પરમિશનની તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી વધુ બે હાઇવે હોટલો સામે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઠેબા ચોકડી નજીક આવેલ જામનગરી રેસ્ટોરન્ટ પાસે જરૂરી બી.યૂ. પરમિશન અને ફાયર એન.ઓ.સી. ન હોવાને કારણે તેને સીલ કરવામાં આવ્યું છે. ઉપરાંત, કાલાવડ રોડ પર ઠેબા ચોકડી નજીક આવેલ શિવ રેસ્ટોરન્ટ સામે પણ સમાન કારણોસર સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેર તથા હાઇવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટ્સની તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં ફાયર સેફ્ટી નિયમો અને બિલ્ડિંગ ઉપયોગ સંબંધિત મંજૂરીઓનું પાલન થાય છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈપણ સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, અને આ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.

આ ઉપરાંત શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલ હોટલ, ધાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સેફ્ટી સહિતના નિયમોની કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આજે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ, એસ્ટેટ શાખા, ટીપીડીપી બ્રાંચ તથા અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા વિશાળ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. અંદાજે પંદર જેટલા અધિકારીઓ અને સ્ટાફ સાથેની ટૂકડી દ્વારા હાઇવે વિસ્તારોમાં આવેલી એકમોની તપાસ કરવામાં આવી રહી છે.

ચેકિંગ દરમિયાન ઠેબા ચોકડી નજીક આવેલી એક હાઇવે હોટલ-રેસ્ટોરન્ટમાં ’ધાબા એ જામનગરી’ માં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ બાંધકામની જરૂરી મંજૂરી જેવા કોઈપણ જરૂરી દસ્તાવેજો ન હોવાના કારણે તાત્કાલિક અસરથી તે એકમને સીલ કરી દેવામાં આવી હતી.

મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જે હોટલ, ધાબા અથવા રેસ્ટોરન્ટમાં ફાયર સેફ્ટી કે બાંધકામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં આવ્યું નહીં હોય, તેવા એકમો સામે કડક કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સીલ કરવામાં આવશે. ફાયર વિભાગના અધિકારી અનવર ગજ્જણ દ્વારા જણાવાયું હતું કે આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, અને તમામ વ્યાપારીઓએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *