ભાવનગરમાં ભીખ માંગવાના બહાને ઘરફોડ ચોરી કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને…

ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે એક મહિલા અને એક પુરુષને ઝડપી પાડી, ભાવનગરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓનો પર્દાફાશ કર્યો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે બોરતળાવ પંપીગ સ્ટેશન પાસે એક શંકાસ્પદ યુગલ સોના-ચાંદીના દાગીના સાથે બેઠું છે. પોલીસે તુરંત કાર્યવાહી કરી રમાબેન ઉર્ફે રામીબેન વાઘેલા (રહે. રાજકોટ) અને સંજયભાઇ ઉર્ફે મેહુલ વાઘેલા (રહે. ધ્રોલ) ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મળી આવેલા દાગીના અને રોકડ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતા, પોલીસે કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેમણે અઢી વર્ષ પૂર્વેથી લઈને અત્યાર સુધીમાં કરેલી 4 મોટી ચોરીઓની કબૂલાત કરી હતી.

આ ગેંગની ચોરી કરવાની રીત પોલીસને પણ ચોંકાવી દે તેવી છે. આ શખ્સો દિવસ દરમિયાન સોસાયટીઓમાં ભીખ માંગવાના બહાને આંટા મારી બંધ મકાનોની રેકી કરતા હતા. તક મળતા જ તાળા તોડી ચોરીને અંજામ આપતા. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે તેઓ ઘટનાસ્થળે જાણીજોઈને ‘પુરૂૂષના ચંપલ’ મૂકી દેતા હતા, જેથી તપાસ દરમિયાન એવું લાગે કે આ કૃત્ય કોઈ પુરુષ દ્વારા કરવામાં આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી 19.900 ગ્રામનો સોનાનો ચેઈન, સોનાનું પેન્ડલ, ચાંદીના સિક્કા, રોકડ રૂૂ. 37,500/- અને મોબાઈલ ફોન મળી કુલ રૂૂ. 3,42,300/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ રમાબેન વિરુદ્ધ અગાઉ જામનગર અને રાજકોટમાં 8 ગુનાઓ તેમજ સંજય વિરુદ્ધ 4 ગુનાઓ નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.
આ ગુનામાં સંડોવાયેલ અન્ય ચાર મહિલા આરોપીઓ – શિલ્પાબેન, જમનાબેન, અમરતબેન અને જુબીબેન હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી ના પીએસઆઇ વી.સી. જાડેજા, આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તથા અન્ય સ્ટાફ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરી મહત્વની રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *