વેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યું

વેરાવળ માં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો ચૂંટણી દરમિયાન થયેલા મન દુ:ખ ને કારણે…

વેરાવળ માં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો ચૂંટણી દરમિયાન થયેલા મન દુ:ખ ને કારણે થયેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે ઇજા પામેલ નવલ ભારાવાલા એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તેઓ બપોરે લગભગ 2-45 વાગ્યે બાપા સીતારામ મંદિર, દીવાદાંડી પાસેથી પોતાની મોટર સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. ખારવા વાળા વિસ્તારમાં સાગર ભુવન નજીક કેટલાક શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને ચૂંટણી મુદ્દે ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું છે કે, અજય વડીદુમ, વિશાલ ઉર્ફે મગરા કુહાડા, પદમ વણિક એ નવલ ભારાવાલા ને ગાળો આપી હુમલો કર્યો હતો. તેમણે ઢીકાપાટુ નો માર મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં ગોપાલ ઉર્ફે વાટકો વડીડુમ અને ખીમજી કુહાડા પણ ત્યાં આવી હુમલાખોરો સાથે મારપીટ માં જોડાયા હતા. હુમલાખોરોએ “આજે તને જાનથી મારી નાખવો છે” તેવી ધમકી પણ આપી હતી.

નવલ ભારાવાલાએ બુમાબુમ કરતા તેમના મિત્ર વિજય માલમડી તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. તેમણે નવલ ભારાવાલા ને બચાવ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત નવલ ભારાવાલા ને તાત્કાલિક વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે નવલ ભારાવાલા એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજય વડીડુમ, વિશાલ ઉર્ફે મગરા કુહાડા, પદમ વણિક, ગોપાલ ઉર્ફે વાટકો વડીડુમ અને ખીમજી કુહાડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 115(2), 352, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *