જામનગર મનપામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ ઝળહળ્યું: 3 નારી સૌ વિપક્ષ પર ભારી

હરિયા કોલેજના મતગણતરી સ્થળ પર ‘ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ’ ના સૂત્ર સાથે સાંસદ- મંત્રી બંને મહિલા દિગ્ગજ નેતાઓ ગદગદિત થયા…

હરિયા કોલેજના મતગણતરી સ્થળ પર ‘ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ’ ના સૂત્ર સાથે સાંસદ- મંત્રી બંને મહિલા દિગ્ગજ નેતાઓ ગદગદિત થયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે અત્યંત આકર્ષક અને આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. શહેરમાં ભાજપનો પ્રચંડ દબદબો જોવા મળ્યો છે, અને મોટાભાગના વોર્ડમાં ક્લીન સ્વીપ નોંધાયો છે. કુલ 16 વોર્ડમાંથી 15 વોર્ડમાં ભાજપે સળંગ વિજય મેળવતાં આ પરિણામ ઐતિહાસિક ગણાઈ રહ્યું છે.
આ ચૂંટણીમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં ‘ત્રણ નારી શક્તિ’નું પ્રભુત્વ સ્પષ્ટ રીતે જોવા મળ્યું.

જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા તેમજ શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી આ ત્રણેય મહિલા નેતાઓએ ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ભાજપને પ્રચંડ જીત તરફ દોરી ગયા. આ નારી શક્તિના ત્રિવેણી સંગમે જામનગર મહાનગરપાલિકામાં એવું પરિણામ આપ્યું છે, કે સમગ્ર રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી માટે નોંધનીય વિજય બન્યો છે, અને ’ત્રણ નારી, સમગ્ર જિલ્લાના વિપક્ષો પર ભારી’ જેવા વિપક્ષ માટે આંચકા જનક પરિણામો આવ્યા છે.

એકમાત્ર લઘુમતી વિસ્તાર (વોર્ડ નંબર 12)માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે-બે બેઠકો મેળવી છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં ભાજપે પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ પરિણામો ભાજપની મજબૂત સંગઠન શક્તિ અને નેતૃત્વની અસર દર્શાવે છે.

મતગણતરી દરમિયાન હરીયા કોલેજ ખાતે પરિણામો જાહેર થતા જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. જામનગર જિલ્લા ભાજપના બે દિગગજ મહિલા નેતાઓ સાંસદ પુનમબેન માડમ, તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા એકબીજાને ભેટી પડ્યા હતા અને ફૂલ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ, જય શ્રી રામ, ભારત માતા કી જય જેવા ગર્જતા સૂત્રોચ્ચારો સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. ખાસ કરીને ત્રણેય મહિલા નેતાઓને હાજર રહેલા સૌ કાર્યકરો દ્વારા વધાવી લેવાયા હતા, અને આનંદના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઐતિહાસિક જીતથી જામનગર શહેરના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, અને ભાજપ માટે આ જીત એક મહત્વપૂર્ણ મોરચો સાબિત થઈ છે. તેમજ નારી શક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *