ધોમ તડકામાં પણ બેઠકોનો સિંહભાગ ભાજપે આંચકી લીધો

આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ધોમ તડકો હતો. આ તડકો માત્ર આસમાની સૂરજ નારાયણનો જ ન હતો. કાર્યકરોના અજંપાનો તડકો હતો. સ્થાનિક નેતાઓના મામકા પાંડવાનો…

આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ધોમ તડકો હતો. આ તડકો માત્ર આસમાની સૂરજ નારાયણનો જ ન હતો. કાર્યકરોના અજંપાનો તડકો હતો. સ્થાનિક નેતાઓના મામકા પાંડવાનો પણ તડકો હતો. ધારાસભ્યો પોતાના ખોળે બેઠેલા લાડકાઓને પ્રમોટ કરવાનો તાપ હતો. એક વોર્ડનાને બીજા વોર્ડમાં ટિકિટ આપવાનો પરિતાપ હતો. કાર્યકરોની કેડર સાઇડમાં રાખી આવેતુને માથે ચડાવવાનો સિલસિલો પણ હતો. આવા અનેક પ્રકારના તડકા વચ્ચે પણ ભાજપે કુલ બેઠકોનો સિંગભાગ શાહી ઠાઠથી આંચકી લીધો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ધારણા પ્રમાણે જ ભાજપનું રોલર ફરી વળ્યું છે. રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો ફરક્યો છે જ્યારે 84 નગરપાલિકામાંથી મોટા ભાગની નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. તમામ 34 જિલ્લા પંચાયતો પણ ભાજપે કબજે કરી છે જ્યારે 260 તાલુકા પંચાયતોમાંથી 250થી વધુ પંચાયતો ભાજપે કબજે કરી છે.

11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકની પેટાચૂંટણીમાં પણ ભાજપે સપાટો બોલાવીને બધી બેઠકો જીતી લીધી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ જ્યાં જીત્યો છે એમાંથી મોટા ભાગની સંસ્થાઓમાં બે તૃતિયાંશ બહુમતીથી જીત્યો છે ને વિપક્ષોનાં સૂપડાં સાફ કરી દીધાં છે એ જોતાં ભાજપની આ જીત ભવ્ય છે. ગુજરાતમાં ભાજપની જીત પહેલેથી સામી ભીતિ લખાઈ ગયેલી તેથી કોઈને શંકા નહોતી ને ચર્ચા પણ નહોતી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું શું થાય છે એ જાણવામાં સૌને રસ હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે આ પરિણામો અત્યંત નિરાશાજનક છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે, આપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈમાં ગુજરાતમાં ભાજપ સામે ટક્કર લેવાની ત્રેવડ નથી. ગુજરાતમાં આવતા વરસે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. એ પહેલાં આખા રાજ્યમાં મોટા ભાગના મતદારો મતદાન કરે એવી આ છેલ્લી ચૂંટણી હતી તેથી આપ અને કોંગ્રેસ બંને માટે પોતાની તાકાતનો ભાજપને પરચો આપવાની મોટી તક હતી પણ બંને ફુસ્સ થઈ ગયા છે.

ગુજરાતમાં કોંગ્રેસ હજુય મુખ્ય વિરોધ પક્ષ છે પણ તેનો દેખાવ મુખ્ય વિરોધ પક્ષ કહેવડાવવાને જરાય લાયક નથી. શહેરી વિસ્તારોમાં તો કોંગ્રેસનું વર્ચસ્વ નથી એ વરસોથી સાબિત થયેલું જ છે પણ આ પરિણામોએ કોંગ્રેસ ગ્રામીણ વિસ્તારોમાં પણ પકડ ગુમાવી રહી હોવાનું સાબિત કર્યું છે. રાજ્યની 15 મહાનગરપાલિકામાંથી એક પણ મહાનગરપાલિકામાં કોંગ્રેસે એવો દેખાવ કર્યો નથી કે જેના કારણે કોંગ્રેસી કાર્યકરોને પણ ધરવ થાય. રાજકટમાં ડીમોલિશન કરાયેલું એ જંગલેશ્વરમાં કોંગ્રેસની આખી પેનલ જીતી કે અમદાવાદના બહેરામપુરામાં કોંગ્રેસની આખી પેનલ જીતી એવા અપવાદરૂૂપ ચમકારાઓને બાદ કરતાં બીજે બધે કોંગ્રેસનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું છે. જિલ્લા પંચાયતોમાં વડોદરા, અરવલ્લી બનાસકાંઠા, ભરૂૂચ સહિતની કેટલીક જિલ્લાા પંચાયતોમાં કોંગ્રેસે બેઠકો જીતી પણ એટલો સારો દેખાવ પણ કર્યો નથી કે સત્તા હાંસલ કરી શકાય. નગરપાલિકાઓમાં તો કોંગ્રેસ પાસેથી સારા દેખાવની આશા નહોતી.

જ તેથી કોંગ્રેસ ક્યાંય ના જીતી તેનું આશ્ચર્ય નથી પણ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે એવું લાગતું હતું પણ ત્યાંય શક્કરવાર આવ્યો નથી. આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સારો દેખાવ કરશે એવો ઘણાંને ભરોસો હતો પણ આ ભરોસાની ભેંસે પણ પાડો જણ્યો છે. એકંદરે કોંગ્રેસનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે એવો સ્પષ્ટ સંકેત આ પરિણામો આપે છે.

આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતી. ગુજરાતમાં આપ બહુ જલદી કોંગ્રેસને હટાવીને મુખ્ય વિપક્ષનું સ્થાન લઈ લેશે એવી આગાહીઓ થાય છે પણ કમ સે કમ આ ચૂંટણીમાં તો આ આગાહી સાચી નથી પડી. આમ આદમી પાર્ટીએ 2021ની ચૂંટણીમાં સુરતમાં જોરદાર દેખાવ કરીને 27 બેઠક જીતેલી ને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખેલાં. આપ એ ઈતિહાસ દોહરાવી શકી નથી ને સુરતમાં સાફ થઈ ગઈ. બીજી મહાનગરપાલિકામાં તો આપ ક્યાંય ચિત્રમાં જ નથી. સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ઘણે ઠેકાણે ચમકારા બતાવ્યા છે પણ આ ચમકારા મોટા ભાગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું વર્ચસ્વ છે એવા વિસ્તારોમાં જ છે. આમ આદમી પાર્ટીએ બગસરા અને ચિકદા એ બે તાલુકા પંચાયત કબજે કરી પણ તેનું કારણ ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવાનું વર્ચસ્વછે. પક્ષ તરીકે આપ કોઈ છાપ છોડી શક્યો નથી. આમ આદમી પાર્ટીના નેતાઓએ લેવું હોય તો એટલું આશ્વાસન લઈ શકાય કે, આપ સાથે ગદ્દારી કરીને ગયેલા ઘણા નેતાઓને લોકોએ લાત મારીને તગેડી મૂક્યા છે.

વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ મુરતિયા જીતેલા તેમાં એક ભૂપત ભાયાણી હતા. ભાયાણી વિસાવદર બેઠક પરથી જીતેલા પણ પછી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયેલા. વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવીને ગોપાલ ઈટાલિયાએ ભાજપનું નાક વાઢી લીધેલું. ભાજપે ભાયાણીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ આપેલી પણ ભાયાણી ભૂંડી રીતે હારી ગયા છે. વિધાનસભાની બેઠક પર 1700 મત જીતો તો સારી લીડ કહેવાય ત્યારે ભાયાણી જિલ્લા પંચાયતની બેઠક પર 1700 મતે હાર્યા છે એ જોતાં લોકોને કેવા અળખામણા લાગ્યા હશે તેની કલ્પના કરી જુઓ.

ભાયાણી માટે તો ઘા પર મીઠું ભભરાવ્યા જેવી વાત એ છે કે અલબત્ત ભાયાણી જેવી જ હાલત ખેડૂત આગેવાન રાજુ કરપડાની ના થઈ તેનો આમ આદમી પાર્ટીને અફસોસ પણ હશે. ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે હોહા કરીને છવાઈ ગયેલા કરપડાને ભાજપ સરકારે જેલભેગા કરી દીધેલા. જેલમાંથી બહાર આવવા કરપડાએ ભાજપ સાથે સોદાબાજી કરીને આપને રામ રામ કર્યા પછી ગોપાલ ઈટાલિયા સામે બેફામ આક્ષેપો કરેલા. ભાજપે કરપડાને સુરેન્દ્રનગરની મૂળી બેઠક પરથી ટિકિટ આપેલી ને કરપડા જીતી ગયા છે. પહેલાં કરપડા હારી ગયાના સમાચાર આવેલા પણ એ પડીકું સાબિત થતાં આપનો આનંદ ઓસરી ગયો.

અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએએ છેલ્લી સ્થાનિક ચૂંટણીમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં સાત બેઠક જીતેલી. આ વખતે પાર્ટીએ પોતાનો પ્રભાવ વિસ્તારીને ભુજ, પાટણ વગેરે શહેરોમાં પણ બેઠકો જીતી છે. તેનો અર્થ એ થયો કે, ગુજરાતના મુસ્લિમોમાં ઓવૈસીની પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે. સ્થાનિક ચૂંટણીમાં જીતનો આધાર ઉમેદવાર પર પણ હોય છે ને જીતી શકે એવા ઉમેદવારો ઓવૈસીની પાર્ટી તરફ વળી રહ્યા છે એ કોંગ્રેસ માટે સારી નિશાની નથી.

ગુજરાતમાં ભાજપે 1990ના દાયકાથી ખીલા ઠોકેલા છે અને અપવાદરૂૂપ બે ચૂંટણીને બાદ કરતાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જ જીત્યો છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે, ગુજરાતમાં ભાજપને હરાવવો બહુ મુશ્કેલ છે અને કમ સે કમ એક દાયકા લગી તો તેને કોઈ હલાવી શકે તેમ નથી. ભાજપની આ મજબૂતાઈમાં વિપક્ષોનું યોગદાન છે જ કેમ કે વિપક્ષો સ્થાનિક સમસ્યાઓને અસરકારક રીતે નથી ઉઠાવી શકતા પણ તેના કારણે ભાજપની જીતનું મૂલ્ય ઘટતું નથી. ભાજપની વરસોની મહેનત અને હિંદુવાદી પક્ષ તરીકેની છાપના કારણે ગુજરાતમાં તેની વફાદાર મતબેંક છે ને એ જ તેને જીતાડે છે એ વાત ફરી સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *