રાજકોટમાંથી મૃત માનેલો પુત્ર જીવિત મળતાં માતા ચોધાર આંસુએ રડી પડી

છેલ્લા પાંચ વર્ષથી લાપત્તા જે પુત્રને માતા મૃત માનતી હતી તે આજે પોતાની નજર સામે હાજર થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. પાંચ વર્ષ બાદ પોતાના…

છેલ્લા પાંચ વર્ષથી લાપત્તા જે પુત્રને માતા મૃત માનતી હતી તે આજે પોતાની નજર સામે હાજર થતાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. પાંચ વર્ષ બાદ પોતાના એકલૌતા પુત્રને સહીસલામત હાલતમાં જોઈ માતા ચોધાર આંસુએ રડી પડી હતી.વધુ વિગતો મુજબ,ભવાનીનગરમાં રહેતો ઈકબાલ શાહિદભાઈ કથિરી (ઉ.વ. 28) 2021ની સાલમાં લાપત્તા બની ગયો હતો. તેની વિધવા માતા ઝરીનાબેને બે વર્ષ સુધી સતત શોધખોળ કરી હતી, પરંતુ પત્તો મળ્યો ન હતો. હવે ઝરીનાબેન આશા ગુમાવી ચૂક્યા હતા. તેને લાગતું હતું કે હવે તેનો પુત્ર હયાત રહ્યો નથી.

આ સ્થિતિમાં ઝોન-2 એલસીબીના પીએસઆઈ આર. એચ. ઝાલાએ સોશિયલ મીડિયા થકી ઈકબાલની શોધખોળ શરૂૂ કરી હતી, જે લાંબો સમય સુધી ચાલી હતી. આખરે તેનો મોબાઈલ નંબર મળતાં સંપર્ક કર્યો હતો. જેના પરિણામે આજે ઈકબાલ રૈયાધાર પોલીસ ચોકીમાં બેસતી એલસીબીની કચેરીએ હાજર થયો હતો. તે સાથે જ તેના માતા ઝરીનાબેનને પણ ત્યાં બોલાવાયા હતા. પુત્રને નજર સામે સહીસલામત જોઈ ઝરીનાબેન રીતસર ભાંગી પડ્યા હતા. પુત્રને ભેટી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. આ વખતે ત્યાં હાજર એલસીબીના સ્ટાફની આંખો પણ ભીની થઈ હતી.

એલસીબીએ તપાસ કરતાં જાણવા મળ્યું કે ઈકબાલને કોઈ યુવતી સાથે લગ્ન કરવા હોવાથી પરિવારને જાણ કર્યા વગર નીકળી ગયો હતો. ત્યાર પછી તેણે તે યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. હવે તેને જો પોતે માતાને લગ્નની જાણ કરશે તો નારાજ થશે તેવો ડર લાગતો હતો, જેને કારણે પરિવારનો સંપર્ક કર્યો નહતો. હાલમાં તે ગાંધીનગરના કોબા ખાતે પ્લમ્બિંગ કામ કરતો હતો.

હવે તેણે પોલીસને માતા સાથે જ રહેશે તેવી ખાતરી પણ આપી છે. તેની માતા ઝરીનાબેન પારકા કામ કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક નાની પુત્રી પણ છે.આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઇ આર.એચ.ઝાલા, એ.એસ.આઇ. હરપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ગોહિલ સહિતના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજકોટ શહેર પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે, જેણે એક વિખૂટા પડેલા પરિવારને ફરી એકવાર ખુશીઓ સાથે જોડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *