આવતીકાલે વિશ્ર્વ પુસ્તક દિવસ
સોશિયલ મીડિયામાં વ્હોટ ટુ રીડ પેજ દ્વારા વાંચનની પ્રવૃત્તિમાં રસ જગાડે છે રૂપલબેન મહેતા
સાત હજારથી વધુ પુસ્તકો વાંચનાર રૂપલબેન મહેતાનું સ્વપ્ન છે કે ઘરે ઘરે વાંચન રૂૂપી દિપક ઝળહળે જે રાષ્ટ્ર તથા સમાજને કરે પ્રકાશિત
“રોજ થોડું થોડું વાંચવાની ટેવ આપણને સારા વિચારો તરફ લઈ જાય છે અને એ સારા વિચારો આપણને સારા કાર્યો તરફ દોરી જાય છે. પુસ્તકો સાથેની મિત્રતા આપણને ક્યારેય નિરાશ થવા દેતી નથી. એ આપણને સતત મજબૂત બનાવતી રહે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ આપણને ભ્રામક દુનિયામાં લઈ જાય છે, જ્યારે પુસ્તકો આપણને વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે.આપણાં સૌના જીવનમાં જીવ રેડવાનું કામ પુસ્તકો કરે છે. તે આપણને જીવતા શીખવે છે. માણસનું ઘડતર આજીવન ચાલતું રહે છે, એ ઘડતરમાં પુસ્તકો આપણને મજબૂત પાયો પૂરો પાડે છે.વાતોમાં સમય ખર્ચી નાખવા કરતા પુસ્તક વાંચનમાં સમયને ઇન્વેસ્ટ કરો.વાંચતા રહીશું તો ફાયદામાં રહીશું.” આ શબ્દો છે જસદણ ડીએસવીકે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રૂૂપલબેન મહેતાના.જેઓ શિક્ષણ સાથે સમાજ સેવાની અનેક પ્રવૃત્તિ કરે છે અને આ બધા સાથે ખૂબ મહત્વની એવી પુસ્તકો સાથે લોકોને મૈત્રી કરાવે છે. આવતીકાલે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે રૂૂપલબેન મહેતાની પુસ્તકો અને વાંચન વિશેની વાતો આપણને જરૂૂર વાંચતા કરી દેશે.
તેઓ મૂળ જસદણના છે અને અભ્યાસ રાજકોટમાં કર્યો. એમ.કોમ,એમ.એડ. અને પી.એચ.ડી. કર્યું છે. ટાટની એક્ઝામ પાસ કરીને જોબ શરૂૂ કરી.હાલ જસદણમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.પિતા સ્વ.અશોકભાઈ મહેતા સમાજ સેવામાં અગ્રેસર હતા.માતા પ્રજ્ઞાબેન મહેતા ગૃહિણી છે.તેઓએ પોતાના ત્રણે સંતાન શિક્ષણ મેળવે અને તેમનું જીવન ઘડતર સારી રીતે થાય તેમાં કોઈ કસર છોડી નહીં. રૂપલબેન પોતાની બાળપણની સ્મૃતિ યાદ કરતા જણાવે છે કે નાનપણથી મને વાંચવું ખૂબ ગમતું. સંયુક્ત પરિવારમાં રહેતા હતા જેમાં ભાભુ ભણેલા હતા અને તેમને વાંચનનો ખૂબ શોખ હતો.અમે ભાભુ માટે લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપતા અને તેઓ વાંચી લે પછી અમે પણ વાંચતા. આ રીતે પુસ્તક વાંચવાનો રંગ લાગ્યો. આ ઉપરાંત હાલતી ચાલતી લાઈબ્રેરી જેવા અસગર અલી જસદણવાળાએ પણ અમને કુદરત તરફ અને પુસ્તક તરફ વાળ્યા.આજે હું પણ મારા વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ સમજાવું છું અને નિયમિત રીતે લાઈબ્રેરીની મુલાકાતે લઈ જાવ છું.
અત્યાર સુધીમાં સાત હજાર જેટલા પુસ્તકો વાંચનાર રૂૂપલબેન જણાવે છે કે બાળકો પુસ્તકોથી દૂર થતા જાય છે તેનું કારણ મોબાઈલ કે ટેકનોલોજી બિલકુલ નથી. ઘરમાં વડીલો જ વાંચનથી દૂર થતા જાય છે અને બાળકો વડીલોનું અનુકરણ કરતા હોય છે તો બાળકો હાથમાં પુસ્તક ક્યાંથી લેવાના? જે રીતે દરેકના હાથમાં મોબાઈલ પહોંચ્યો એ જ રીતે દરેકના હાથમાં આપણે પુસ્તકો પણ પહોંચાડી શકીએ.પુસ્તક વાંચવાથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરવાની ઇમ્યુનિટી વધી જાય છે. વિપરિત પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તેની પ્રેરણા પણ પુસ્તકોમાંથી જ મળી રહે છે. મૃત્યું પછી ભગવત ગીતા વાંચવાનો રિવાજ છે પરંતુ જો નાનપણથી આ ગ્રંથનું વાંચન કરવામાં આવે તો જીવન અને મૃત્યું બંને સુધરી જાય.
સોશિયલ મીડિયામાં રૂૂપલબેનનું વ્હોટ ટુ રીડ અને ગુડ થોટ્સ નામનું પેજ છે જેના દ્વારા અનેકના જીવન બદલાયા છે અને લોકો વાંચતા થયાં છે.જીવનના સંઘર્ષની વાત કરતા તેઓએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં પિતાજીએ આ દુનિયામાંથી વિદાય લીધી એ સમય પસાર કરવો ખૂબ કઠિન હતો. માતાને સાચવવા માટે તેમને વાંચતા કર્યા અને હાલ તેઓ જુદા જુદા પુસ્તકો વાંચીને પોતાનો સમય પસાર કરે છે.અત્યારે ટેકનોલોજીના સમયમાં લોકો મોબાઈલ કે લેપટોપ પર અમુક પુસ્તકો વાંચી લેતા હોય છે પરંતુ તેમાં જીવંતતા હોતી નથી.કાગળ અને હાથનો સ્પર્શ તેમજ કાગળમાં રહેલ શાહીની સુગંધ આપણને અલગ દુનિયામાં લઈ જાય છે.
અત્યારની લાઈફ સ્ટાઇલ મુજબ કોઈની પાસે સમય નથી પરંતુ સમય કાઢવો પડે છે.વાંચવાના અઢળક ફાયદા છે. વાંચતા રહેશો તો વિકસતા રહેશો.દરેકના ઘરમાં નાનકડી લાઈબ્રેરી તો હોવી જ જોઈએ.તેમનું સ્વપ્ન છે કે ઘરે ઘરે વાંચન રૂૂપી દિપક ઝળહળે અને તેના દ્વારા રાષ્ટ્ર અને સમાજ પ્રકાશિત બને.તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
મહિલાઓમાં વાંચનની ભૂખ હોવી ખૂબ જરૂરી
તેઓએ મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું કે મહિલાઓ વાંચન કરે તે ખાસ જરૂૂરી છે કારણ કે તેમને જોઈને બાળકો પણ વાંચતા થશે તેમને સારી વાતો અને સંસ્કાર મળશે.મહિલાઓને ફરિયાદ હોય છે કે સમય નથી મળતો પરંતુ સમય કાઢીને પણ પુસ્તકની મૈત્રી કરો. ગુજરાતી છાપા, પૂર્તિ વાંચવાથી શરૂૂઆત કરીને વાંચનની ટેવ વિકસાવી શકાય.વાંચન નવેસરથી જીવન જીવતા શીખવે છે. ઘણી મહિલાઓ ભેગા થઈને ઓખાહરણ, ભગવદ્ ગીતાના પાઠ, રામાયણ વગેરે વાંચતા હોય છે તો તેમાંથી આગળ વધીને કોઈ સારા પુસ્તકોનું વાંચન પણ કરી શકાય.
વાંચનના યજ્ઞમાં સેવાકીય પ્રવૃત્તિની પણ આહુતિ
લોકોને પુસ્તક વાંચન તરફ વાળવામાં તત્પર રૂૂપલબેન શિક્ષણ કાર્ય સાથે સેવાકીય પ્રવૃત્તિમાં પણ અગ્રેસર છે.નારી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે આ વિશે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે 2017ની સાલમાં ગરબા રમવા માટે અમે એક ગ્રુપ બનાવ્યું હતું અને એ ગ્રુપની કામગીરી સફળ રહી.એ સમયે આવેલ ફંડમાંથી જરૂૂરિયાતમંદ બહેનોને અમે મદદ કરી જેનાથી ખુશીનો અનુભવ થયો.ત્યારબાદ અમે એ કામગીરી ચાલુ રાખવાનું નક્કી કર્યું. અત્યારે અમે મહિલાઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ,વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા કરીએ છીએ. બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે જુદા જુદા વર્ગો ચલાવીએ છીએ.બ્લડ ડોનેશન કેમ્પ, સમૂહ લગ્ન તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને ફ્રી સેનેટરી પેડ્સ પણ આપીએ છીએ. અત્યાર સુધીમાં અમે જસદણ અને આસપાસના ગામોની 35 જેટલી દીકરીઓના લગ્ન કર્યા છે. આ કામગીરીમાં મારી સાથે સોનલબેન ચોથાણી, દીપ્તિબેન દિવાન,અંજલીબેન જીવાણી, શીતલબેન બાબરિયા, ડો. મીનાબેન પટેલ, ડો. શ્વેતાબેન ઉપાધ્યાય, મીતાબેન દસાડિયા વગેરે કામગીરી કરે છે.
What to Read?
વાંચનની શરૂઆત કરતી વખતે ઘણાને પ્રશ્ન થાય કે શું વાંચવું જોઈએ? તો તેના જવાબમાં રૂૂપલબહેને સોશિયલ મીડિયા પર વોટ ટુ રીડ પેજ શરૂૂ કર્યું છે.હાલ સોશિયલ મીડિયામાં અનેક મનોરંજનના ટાઇમપાસ વીડિયો તથા ક્ધટેન્ટ જોવા મળી રહ્યા છે ત્યારે લોકો વાંચીને સમૃદ્ધ થાય તે માટે આ પેજ બનાવ્યું છે.અહીં તેઓ વાંચનના ફાયદા જણાવે છે તેમજ વર્તમાન સમયના કોઈ મુદ્દા વિશે ચર્ચા કરે છે, તેમજ કોઈ એક પુસ્તક વિશે માહિતી આપે છે. આ ઉપરાંત તેમનું સારા વિચાર એટલે કે ગુડ થોટ્સ નામનું પણ પેજ છે જે વાંચીને અનેક લોકોના જીવન બદલાયા છે તેવું તેમની કોમેન્ટ્સ પરથી જાણી શકાય છે.તેઓ માને છે કે જે પુસ્તકો વાસ્તવિકતા સાથે જોડે તેવા પુસ્તકો ખાસ વાંચવા જોઈએ.
