ઈરાનની સાથે સાથે પશ્ચિમ એશિયાના વધુ એક દેશમાં ચાલી રહેલી લડાઈ ટૂંક સમયમાં અટકી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇઝરાયેલ અને લેબનાનના નેતાઓ બેઠક માટે તૈયાર થઈ ગયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને લેબનાની રાષ્ટ્રપતિ જોસેફ આઉન ગુરુવારે અમેરિકામાં મુલાકાત કરી શકે છે.
નેતન્યાહુ અને આઉન વચ્ચેની બેઠક એક મોટી ઘટના હશે કારણ કે બંને દેશોના ટોચના નેતાઓ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સાથે બેઠા નથી. જોકે હજુ હિઝબુલ્લાહ સાથે ઇઝરાયેલના સીઝફાયર પર સ્પષ્ટતા દેખાઈ રહી નથી.
ઇઝરાયેલી મીડિયા મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે, ‘લેબનાન અને ઇઝરાયેલના નેતાઓ વચ્ચે વાતચીત થયાને 34 વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો છે પરંતુ હવે તે થવા જઈ રહ્યું છે. બંને દેશોના નેતાઓ ગુરુવારે સાથે બેસશે કારણ કે અમે લેબનાન અને ઇઝરાયેલમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નથી. બંને દેશો વચ્ચે છેલ્લી સીધી ઉચ્ચ સ્તરીય વાતચીત વર્ષ 1993 માં થઈ હતી.
એક વરિષ્ઠ ઇઝરાયેલી અધિકારીએ કહ્યું છે કે લેબનાની સરકાર સાથે વાત થઈ રહી છે પરંતુ હિઝબુલ્લાહ સાથે યુદ્ધવિરામ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઈરાન સમર્થિત લેબનાની જૂથ હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે જમીન પર લડાઈ ચાલી રહી છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયેલના બેરૂૂત ક્ષેત્ર પર હુમલા ઓછા થયા છે.
