આગેવાનોને મનાવવા શહેર ભાજપ પ્રમુખની દોડધામ, શનિવારે ‘રઘુવંશી સ્વભિમાન સંમેલન’નું એલાન, વોર્ડ નં.1-2-3-14માં બહોળી સંખ્યામાં રઘુવંશી મતદારો ભાજપનો ‘ખેલ’ બગાડશે ?
મહાનગરપાલિકાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યો છે પરંતુ વોર્ડ નંબર બે ની સાથો સાથ અન્ય વોર્ડમાં પણ રઘુવંશી સમાજ નારાજ થયું હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે વોર્ડ 2માં હાલ રઘુવંશી તથા બ્રહ્મ સમાજને ટિકિટ ન મળતા સમાજમાં ભારે રોષ ભગવતી ઉઠ્યો છે અને રઘુવંશી સમાજ દ્વારા 18મી એપ્રિલના સ્વાભિમાન સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે યુવા બ્રિગેડ હાથ ધરશે. ચૂંટણી સમયે આ પ્રકારના સંમેલન થાય તો ભાજપ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે ત્યારે ખુદ શહેર ભાજપ પ્રમુખ રઘુવંશી સમાજના આગેવાનોને મનાવવા પહોંચ્યા હતા પરંતુ નિષ્કર્ષ શૂન્ય આવ્યું.
હાલ રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા જે માહિતી મળી રહી છે તેને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ છે કે આ વખતે સમાજ ખરા અર્થમાં નારાજ થયો છે અને આ સ્વાભિમાન સંમેલનમાં સમાજની જે રીતે ઉગાણા કરવામાં આવી છે તેની સામે અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં એવુ પણ કહેવામાં આવ્યું છે કે વોર્ડ 1,2 ,3 અને 14માં રઘુવંશી સમાજના સૌથી વધુ મતદારો છે ત્યારે જોજ રાજકીય આગેવાનોના અંગત સ્વાર્થના કારણે અને રાજકીય દાવ પેચના પગલે સમાજને ટિકિટથી વંચિત રાખવામાં આવ્યો છે.
ત્યારે એવો પણ પ્રશ્ન ઊભો થયો છે કે શું રઘુવંશી સમાજ માત્ર મત આપવાને પૈસા ખર્ચ કરવા માટે જ છે ? રઘુવંશી સમાજનું પ્રતિનિધિત્વ આ રીતે છીનવી લેવાશે ? રઘુવંશી સમાજની મહિલાઓને ટિકિટ મળી પુરુષોને કેમ નહીં ? આ પ્રકારના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવવાનો સમય પાકી ગયો હોવાનું સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. એટલું જ નહીં સમાજની એકતા બતાવી અને સ્વાભિમાનનું રક્ષણ થાય તે હેતુસર આખા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સંમેલનથી ભાજપને જડબાતોડ જવાબ મળશે તેવું પણ રાજકીય આગેવાનો કહી રહ્યા છે.
એટલું જ નહીં રાજકીય વર્તુળોમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે, શહેર ભાજપ પ્રમુખનો મલિન ઇરાદો પણ રઘુવંશી સમાજ અને બ્રહ્મ સમાજને ટિકિટ ન મળવા પાછળ કારણભૂત છે. એટલું જ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ રાજકોટની સ્થિતિ ભાજપ માટે અત્યંત કપરી સાબિત થઈ રહી છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ ઉપર પણ અનેકવિધ આક્ષેપો થઈ રહ્યા છે. રઘુવંશી સમાજને મનાવવા માટે તેમના કાર્યાલય ખાતે પણ પહોંચ્યા હોવાનું માલુમ પડ્યું છે.
ટિકિટ કાપવામાં દર્શિતાબેન શાહનો સિંહફાળો છે : સમાજમાં ગણગણાટ શરૂ
ભાજપની વાત કરવામાં આવે તો વોર્ડ 2માં રઘુવંશી સમાજ અને બ્રહ્મ સમાજની અવગણના પક્ષને નુકસાન પહોંચાડશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી મહત્વની વાત એ છે કે રઘુવંશી સમાજ એવો સમાજ છે કે જેને હર હંમેશ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે વોર્ડ બે માં ભાજપ રઘુવંશી તથા બ્રહ્મ સમાજને અચૂક ટિકિટ આપે છે પરંતુ આ વખતે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેનાથી ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે અને રઘુવંશી સમાજ પોતે જ વિરોધમાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શનિવારે રઘુવંશી સમાજ દ્વારા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રઘવંશી સમાજ સાથે થયેલા અન્યાય અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ભવિષ્ય માટે શું પગલાં લઈ શકાય તે બાબતે ચર્ચા વિચારણા પણ કરાશે. એટલું જ નહીં સમાજમાં એ મેસેજ પણ ફરી રહ્યા છે કે ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા વોર્ડ બે માં રઘુવંશી સમાજની ટિકિટ કાપવામાં સિંહ ફાળો આપ્યો છે.
