બિહારમાં અંતે નીતીશકુમારની કેબિનેટે રાજીનામું ધરી દીધું અને નીતીશના સ્થાને ભાજપે મુખ્ય પ્રધાનપદ માટે સમ્રાટ ચૌઘરી પર કળશ ઢોળી દીધો. ભાજપમાંથી મુખ્ય પ્રધાનપદના મુરતિયા ઘણા હતા પણ લોટરી સમ્રાટ ચૌધરીને લાગી કેમ કે સમ્રાટ ચૌધરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની નજીક છે. અત્યારે ભાજપમાં ખાતા ના વહીં, શાહ સાહેબ કહે વો સહી જેવો ઘાટ છે તેથી ભાજપ માટે આખી જિંદગી આપી દેનારા નેતાઓને કોરાણે મૂકીને ભાજપે પક્ષપલટુ સમાટ ચૌધરીને ગાદી પર બેસાડી દીધા. વિજય કુમાર ચૌધરી સહિતના બીજા મુરતિયા મોં વકાસીને જોતા રહી ગયા ને સમ્રાટ ચૌધરી બિહારના નવા સમ્રાટ બની ગયા. નીતિશકુમાર ખુદ રાજકાજના અઠંગ ખેલાડી છે પરંતુ ભાજપના હાઇકમાન્ડ પાસે તેઓ પાણી ભરે છે.
પ્રાદેશિક રાજકારણમાં ભાજપ એક્કો છે. ક્રમશ: નીતિશનું વજન ઘટતું જશે. સમ્રાટ ચૌધરીનું મૂળ નામ રાકેશ કુમાર છે પણ રાજકારણમાં એ સમ્રાટ ચૌધરીના નામે જ ઓળખાય છે. સત્તાવાર રીતે થયેલી જાહેરાત પ્રમાણે, સમ્રાટ ચૌધરી બુધવારે સવારે મુખ્ય પ્રધાનપદના શપથ લેશે. નીતીશ કુમાર કેબિનેટમાં ભાજપને બે નાયબ મુખ્ય પ્રધાનપદ અપાયાં હતાં. સમ્રાટ ચૌધરી કેબિનેટમાં જેડીયુને શું મળશે તેની સ્પષ્ટતા કરાઈ નથી પણ એ જ જૂની ફોર્મ્યુલાનો અમલ કરાશે એવું લાગે છે. જેડીયુએ આ મુદ્દે કશું કહ્યું નથી એ જોતાં સમ્રાટ ચૌધરી કેબિનેટમાં જેડીયુમાંથી કોઈ નાયબ મુખ્ય પ્રધન બનશે કે નહીં એ ખબર નથી.
જે કંઇ હશે તેની ખબર બુધવારે પડવાની જ છે પણ અત્યારે તો સમ્રાટ ચૌધરીની બોલબાલા સમ્રાટ ચૌધરીની પસંદગી આશ્ચર્યજનક નથી કેમ કે તેમનું નામ ચર્ચામાં હતું જ પણ ભાજપને વફાદાર કાર્યકરો માટે આંચકાજનક છે કેમ કે સમ્રાટ ચૌધરી મૂળ ભાજપના નથી અને વંશવાદી રાજકારણની પેદાશ પણ છે. સમ્રાટને પસંદ કરીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ભાજપ ચોખલિયાવેડામાંથી બહાર આવી ગયો છે અને ભાજપને હવે કોઈ છોછ નથી. ભાજપે બીજા પક્ષમાંથી આવેલા સંખ્યાબંધ નેતાઓને મંત્રીપદ આપ્યાં છે અને મૂળ કોંગ્રેસી હિંમત બિસ્વ સરમાને તો આસામમાં મુખ્ય પ્રધાનપદ પણ આપ્યું છે તેથી ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર બેસવા માટે પાયાના કાર્યકર હોવાની લાયકાત જરૂૂરી નથી. ભાજપ પોતે કોંગ્રેસ ને ડીએમકે સહિતના પક્ષોના વંશવાદની ટીકા કરે છે પણ પોતે ઉઘાડે છોગ વંશવાદને પોષે છે. ભાજપના આ ચાવવાના જુદા ને બતાવવાના જુદા ખેલનાં પણ ઢગલો ઉદાહરણ છે તેથી સમ્રાટની પસંદગીથી જરાય આશ્ચર્ય થતું નથી.
સમ્રાટના પિતા શકુનિ ચૌધરી બિહારના રાજકારણમાં મોટું નામ ગણાય છે. શકુનિ ચૌધરી બિહાર વિધાનસભામાં 7 વાર ચૂંટાયેલા ને એક વાર લોકસભામાં પણ ચૂંટાયા હતા. શકુનિ ચૌધરી આયારામ ગયારામ ટાઈપના નેતા હતા તેથી સમતા પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, જેડીયુ, હિંદુસ્તાન અવામી મોરચા એમ બહુ બધા પક્ષોમાં આવનજાવન કરીને છેવટે 2011ની ચૂંટણીમાં હાર્યા પછી દીકરાને બધું સોંપીને નિવૃત્ત થઈ ગયા.
શકુનિ ચૌધરીનાં પત્ની અને સમ્રાટનાં માતા પાર્વતીદેવી પણ એક વાર ધારાસભ્યપદે રહી ચૂક્યાં છે. શકુનિ લોકસભામાં ચૂંટાયા ત્યારે પત્નીને પોતાની તારાપુર બેઠક પરથી જીતાડીને ધારાસભ્ય બનાવી દીધેલાં પણ એક જ વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી જતાં લોકસભાનો મોહ છોડીને પાછા વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયેલા. શકુનિની ગણના લાલુપ્રસાદના ખાસ માણસ તરીકે થતી પણ સમ્રાટે લાલુ સામે બળવો કર્યો પછી શકુનિએ પણ લાલુનો સાથ છોડી દીધો.
સમ્રાટ ચૌધરી પણ મૂળ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ની જ પેદાશ છે. સમ્રાટ ચૌધરી બે વાર આરજેડીની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને પક્ષપલટો કરીને જીતનરામ માંઝીની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સમ્રાટ ચૌધરી પણ પિતાની જેમ લાલુપ્રસાદના ખાસ જ હતા ને છેક 2014 લગી તો આરજેડીમાં જ હતા. એ પછી લાલુપ્રસાદને છોડીને એ નીતીશ કુમારની જેડીયુમાં ઘૂસી ગયા ત્યારે તેમને જીતનરામ માંઝી સરકારમાં મંત્રી બનાવાયેલા. ભાજપે લાલુપ્રસાદના પડખામાં પેસી ગયેલા નીતીશ કુમારને ખેંચવા માટે હાથ ધરેલા ઓપરેશનમાં સૌથી પહેલી નજર સમ્રાટ ચૌધરી પર પડેલી કેમ કે સમ્રાટના પિતા શકુનિનો પાર્ટીઓ બદલવાનો ભવ્ય ભૂતકાળ હતો.
વડ એવા ટેટા ને બાપ એવા બેટા એ હિસાબે સમ્રાટે પણ ભાજપને નિરાશ ના કર્યા અને નોંતરું મળતાં જ આરજેડીમાં ભંગાણ પાડીને ભાજપની પંગતમાં બેસી ગયેલા. સમ્રાટ ચૌધરીએ અમિત શાહની આંગળી પકડી હોવાથી ભાજપે સમ્રાટ ચૌધરીને લીલા તોરણે પોંખીને મોટા મોટા હોદ્દા આપ્યા છે. બિહારમાં
ભાજપ માટે જાત ઘસી નાખનારા ગિરિરાજ કિશોર સિંહ, સુશીલ કુમાર મોદી, અશ્વિનીકુમાર ચૌબે, રાજીવ પ્રતાપ રૂૂડી સહિતના નેતાઓને કોરાણે મૂકીને સમ્રાટને મોટા ભા બનાવાયા. પ્રદેશ ભાજપ પ્રમુખથી માંડીને નાયબ મુખ્ય પ્રધાનપદ અપાયું અને હવે મુખ્ય પ્રધાનની ગાદી પર પણ બેસાડી દેવાયા છે.
