અપક્ષનું ફોર્મ રદ કરવાના દબાણ હેઠળ મામલતદારનો આપઘાત?

વલસાડના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે મધરાત્રે ટ્રેન હેઠળ પડતું મુકયું, નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી અપાયાની ચર્ચા: ગુજરાતભરમાં ભારે સનસનાટી ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની…

વલસાડના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે મધરાત્રે ટ્રેન હેઠળ પડતું મુકયું, નોકરીમાંથી કાઢી મૂકવા સુધીની ધમકી અપાયાની ચર્ચા: ગુજરાતભરમાં ભારે સનસનાટી

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે (13મી એપ્રિલ) મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂૂ કરી હતી. ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કર્યો તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ મામલે આરોપ લાગી રહ્યા છે કે, સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. જોકે, કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા કોઈ જ નક્કર સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.

મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપવામાં આવતી હતી કે જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વેચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે. તેણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *