ટિકિટ કપાતા સમર્થકો વિફર્યા, હોદ્દેદારો કેબિનમાં કેદ, પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો, અડધો ડઝન વોર્ડમાં આંતરિક ભડકો
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરતાની સાથે જ શહેર ભાજપમાં ભડકો થયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 13માં પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીની ટિકિટ કાપી નાખવામાં આવતા મામલો બિચક્યો હતો. પક્ષના નિર્ણયથી નારાજ રામાણીના સમર્થકોએ ભાજપ કાર્યાલય ’કમલમ’ ખાતે હલ્લાબોલ કરી જોરદાર વિરોધ પ્રદર્શન કરતા મોડી સાંજ સુધી રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
જો કે, મોડી રાત્રે નીતિન રામાણી ફરી પાર્ટી લાઈનમાં આવી ગયા હતાં અને ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય પ્રમુખને પત્ર લખી વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. બીજી તરફ વોર્ડ નં.3માં હેમુ પરમારને ટિકીટ નહીં મળતાં તેના સમથકોએપણ ભાજપ કાર્યાલયે બઘડાટી બોલાવી હતી. જેના કારણે શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો કમલમમાં કેબીન અંદરથી બંધ કરીને બેસી ગયા હતાં. પાછળથી ભાજપ કાર્યાલય ઉપર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવાની ફરજ પડી હતી. તો શહેરના વોર્ડ નં.18માં દક્ષાબેન વાઘેલાને ટીકીટ આપતાં ભડકો થયો હતો. જેની સામે રાત્રે રણુજા મંદિર પાસે કાર્યકરોએ એકઠા થઈને સુત્રોચ્ચાર કર્યો હતો.
ભાજપ દ્વારા વોર્ડ નંબર 13 માટે પંકજ લુણાગરિયા, મોહિતસિંહ જાડેજા, સોનલબેન સેલારા અને માધવીબેન બદ્રકીયાના નામ જાહેર કરાયા છે. આ જાહેરાત બાદ નવા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડીને ખુશી મનાવી હતી. જોકે, આ જશ્ન લાંબો સમય ટક્યો નહીં, કારણ કે પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીના સમર્થકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. નીતિન રામાણીને પડતા મૂકીને તેમના સ્થાને પંકજ લુણાગરિયાને ટિકિટ આપવાના નિર્ણયને કાર્યકરોએ અન્યાય ગણાવ્યો હતો.
ટિકિટ કપાતા જ નીતિન રામાણી 50થી વધુ સમર્થકોના કાફલા સાથે શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પહોંચ્યા હતા. સમર્થકોએ પક્ષ વિરોધી સૂત્રોચ્ચાર ટાળીને નીતિનભાઈના સમર્થનમાં હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી આખું કાર્યાલય માથે લીધું હતું. ભાજપના ગઢ ગણાતા કાર્યાલયમાં અચાનક થયેલા આ હલ્લાબોલથી નેતાઓ અને સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
સ્થિતિ વણસતી જોઈને ભાજપના સીનિયર નેતા પુષ્કર પટેલ તાત્કાલિક મેદાનમાં આવ્યા હતા. તેમણે ઉશ્કેરાયેલા કાર્યકરોને શાંત પાડી નીતિન રામાણીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પક્ષના ટોચના નેતાઓ શહેર પ્રમુખ ડો. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને પુષ્કર પટેલની હાજરીમાં નીતિન રામાણી સાથે 15 મિનિટ સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પક્ષના મોવડીમંડળે રામાણીને પક્ષના શિસ્ત અને ભવિષ્યની જવાબદારીઓની ખાતરી આપી શાંત પાડ્યા હતા. જોકે, નીતિન રામાણીએ હાલ પૂરતી પોતાની નારાજગી સંકેલી લીધી હોય તેમ જણાય છે. મોડી રાત્રે નીતિન રામાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પણ પત્ર લખીને પોતાને ટિકીટ ફાળવવા માંગણી કરી હતી. આ સિવાય વોર્ડ નં.3માં જેની ટિકીટ પાકી મનાતી હતી તે હેમુ પરમારનું નામ લીસ્ટમાં નહીં આવતાં તેના સમર્થકો પણ રાત્રે 11 વાગ્યે કમલમમાં પહોંચ્યા હતાં અને ભારે બઘડાટી બોલાવતાં પોલીસની ચાર જીપ બંદોબસ્ત માટે બોલાવવામાં આવી હતી.
આ ઉપરાંત વોર્ડ નં.14માં પણ ભાજપના પૂર્વ કોર્પોરેટરો કચનબેન સિધ્ધપુરા, સુરેન્દ્રસિંહ વાળા અને વિનુ ધવાની ટિકીટો કપાતા મહિલાઓના ટોળાએ ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. આજ રીતે વોર્ડ નં.16 અને 18માં પણ અસંતોષની આગ ઉકળી રહી છે અને ભાજપના નેતાઓ ડેમેજ કંટ્રોલ માટે કામે લાગ્યા છે.
