પાટણવાવના સરપંચ સવારે કોંગ્રેસમાં જોડાયા અને સાંજે ફરી ભાજપના માંડવે

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. પાટણવાવ ગામના સરપંચે માત્ર ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલીને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો…

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. પાટણવાવ ગામના સરપંચે માત્ર ગણતરીના કલાકોમાં જ પોતાનો નિર્ણય બદલીને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર પાટણવાવના સરપંચ કાનભાઈ સાવલિયાએ સાંજ પડતા પહેલા જ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વાપસી કરી લીધી છે.આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણવાવ ગામના સરપંચ કાનભાઈ સાવલિયાએ ગઇકાલે સવારે અચાનક કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો, જેનાથી સ્થાનિક ભાજપ છાવણીમાં દોડધામ મચી ગઈ હતી.

જો કે આ રાજકીય ભૂકંપ લાંબો સમય ટક્યો ન હતો. સવારે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ, કાનભાઈ સાવલિયાએ ગણતરીના કલાકોમાં જ ફરી મોટો નિર્ણય લીધો હતો અને પોતાના સાથી આગેવાનો તેમજ સભ્યો સાથે ફરીથી ’કેસરિયો’ ધારણ કરી ભાજપમાં ’ઘર વાપસી’ કરી છે.

પોતાના આ ત્વરિત પક્ષપલટા અને ભાજપમાં પરત ફરવા અંગે સ્પષ્ટતા કરતા સરપંચ કાનભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, અમે કોઈપણ પ્રકારના રાજકીય કે અન્ય દબાણ વગર, અમારી પોતાની સમજથી આ નિર્ણય લીધો છે. અમને લાગ્યું કે મૂળ પ્રવાહમાં રહેવું વધુ યોગ્ય છે, તેથી અમે પાછા ફર્યા છીએ. આટલું જ નહીં સવારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા તેમના ’સ્વાગત’ અને ખેસ પહેરાવવાની ઘટના અંગે વાત કરતા સરપંચે તેને માત્ર એક ’ઔપચારિકતા’ ગણાવી હતી.

રાજકારણમાં પક્ષપલટો કોઈ નવી વાત નથી, પરંતુ પાટણવાવના સરપંચે માત્ર થોડા જ કલાકોમાં જે રીતે યુ-ટર્ન લીધો છે, તેનાથી ધોરાજી પંથકના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. સવારથી સાંજ સુધીમાં બનેલા આ નાટ્યાત્મક ઘટનાક્રમે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *