મોરબીના બેલા ગામ પાસે આવેલી શિવમ સીરામીક કંપનીમાં ગત રાત્રિના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ શિવમ સીરામીકમાં મજૂરી કામ કરતા 25 વર્ષીય જયપ્રકાશ શ્રીનિવાસ પાઉં નામના યુવાને રાત્રિના 11 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર વીજ કરંટ પકડી લેતા ચકચાર મચી ગઈ હતી.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જોકે, વધુ સારવારની જરૂૂરિયાત જણાતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક વિગત મુજબ વીજ કરંટને કારણે યુવાનના હાથના ભાગે સામાન્ય દાઝ્યાના નિશાન જોવા મળ્યા છે.
આ ઘટના પાછળનું કારણ કૌટુંબિક કલેશ હોવાનું સામે આવ્યું છે.
જયપ્રકાશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જ્યારે તેની પત્ની રેશમાંબેન હાલ મધ્યપ્રદેશમાં જ રહે છે. રાત્રિના સમયે જયપ્રકાશ પોતાની પત્ની સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન પત્નીએ ’તમે મારી વાત નથી માનતા’ તેમ કહેતા જયપ્રકાશને આ વાત મનમાં લાગી આવી હતી. પત્નીના શબ્દોથી વ્યથિત થઈને આવેશમાં આવેલા યુવાને તુરંત જ બાજુમાં રહેલા વીજતાર પકડી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
