સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ
જેલવાસ બાદ કરપડાનું હૃદય પરિવર્તન, ‘આમ આદમી પાર્ટી’ માટે પડકાર
આમ આદમી પાર્ટીના એક સમયના આક્રમક નેતા રાજુ કરપડાએ ધારણા મુજબ જ ચૂંટણી પહેલા કેસરીયા કર્યા છે. હડદડ ખાતેના ખેડૂત આંદોલન દરમિયાન બે માસના જેલવાસ બાદ રાજુ કરપડાનું હૃદય પરિવર્તન થયું હતું અને આમ આદમી પાર્ટી છોડી થોડા સમયથી પાર્ટી વગર આક્રમક પ્રચાર કર્યો હતો અને હવે નાના કરતાં ભાજપમાં જોડાઈ ગયા છે. આજે બપોરે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં કેસરીયા કરી લીધા હતાં.
રાજુ કરપડાએ ભાજપમાં જોડાવાનો ચોક્કસ સમય પસંદ કર્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. તેવા સમયે જ રાજુ કરપડાએ ધડાકો કર્યો છે અને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ડો.ગોરધનભાઈ ઝડફીયા, અનિલ પટેલ, અનિરૂધ્ધ દવે તથા ડો.ભરત બોઘરા સહિતના પ્રદેશ નેતાઓની હાજરીમાં ભાજપમાં વીધિવત પ્રવેશ કર્યો હતો.
ભાજપનો ખેસ પહેર્યા બાદ રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, મને ટિકિટની કોઈ ગઈકાલે આશા ન હતી અને આજે પણ નથી. પાર્ટી જે પણ કામ સોંપે તે ખંતથી કરવા મારી તૈયારી છે.
ઉલ્લેખનીય છે કે, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી તેના સાથી નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં. ખેડૂત આંદોલન દરમિયાન બે માસનો જેલવાસ ભોગવીને બહાર આવ્યા ત્યારે જ તેનું હૃદય પરિવર્તન જોવાયું હતું. જો કે, તેમણે કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને જાહેરમાં કોંગ્રેસના નેતાઓ તથા ખાનગીમાં ભાજપના નેતાઓ સાથે બેઠકો ચાલુ રાખી હતી. એક સમયે તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત ફાઈનલ મનાતી હતી. પરંતુ અંતે ભાજપમાં જોડાઈ જતાં હવે તેનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આગામી દિવસોમાં ભાજપ રાજુ કરપડાને કેવી જવાબદારી સોંપે છે અને સ્થાનિક ચુંટણીઓમાં તેનો કયા પ્રકારે ઉપયોગ કરે છે તે જોવાનું રહ્યું.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ટિકિટ પાક્કી?
આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયેલા રાજુ કરપડાને ભાજપ સુરેન્દ્રનગર જિલાલા પંચાયતની ટિકિટ આપે તેવી પુરી શકયતા છે. આજે સાંજ સુધીમાં રાજુ કરપડાને જિલ્લા પંચાયતની ટિકિટ આપી ભાજપના ખેડૂત નેતા તરીકે ચૂંટણીમાં રજુ કરવામાં આવી શકે છે.
