વિવિધ યોજનાઓમાં કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાયમાં પણ નોંધપાત્ર ઘટાડો; વિધાનસભામાં કેગનો અહેવાલ રજૂ કરાયો
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આજે કેગનો રિપોર્ટ જાહેર કરાયો છે. વર્ષ 2024-25નો મહત્વનો CAGનો રિપોર્ટ ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યો છે. આ અહેવાલમાં રાજ્યની આર્થિક સ્થિતિ અને વધતા જતા દેવા અંગે કેટલાક ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ગુજરાતના જાહેર દેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જે રાજ્યની તિજોરી પરના ભારણને સ્પષ્ટપણે દર્શાવે છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી બજાર લોનમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. જી હા.. સરકાર દ્વારા લેવામાં આવેલી કુલ બજાર લોનનો આંકડો 3.11 લાખ કરોડને પાર પહોંચી ગયો છે.
જે ગત વર્ષની સરખામણીમાં બજાર લોનમાં પણ 16 હજાર કરોડ રૂૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. 2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3.80 કરોડ થયું હતું.
ગૃહમાં રજૂ કરાયેલા કેગના રિપોર્ટમાં ગુજરાતમાં માત્ર દેવું જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને સહાયમાં થયેલા ઘટાડા પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિવિધ મહત્વની યોજનાઓ માટે કેન્દ્ર તરફથી મળતા નાણાંમાં મોટી કપાત જોવા મળી છે, જેના કારણે રાજ્ય સરકાર બજાર લોન લઈ રહી છે. જેમાં આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે કેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 2023-24માં ₹1,590.17 કરોડ મળ્યા હતા. જ્યારે વર્ષ 2024-25માં ઘટીને માત્ર 1,363 કરોડ રૂૂપિયા થયા.ગત વર્ષ કરતા ₹226.56 કરોડ રૂૂપિયા ઓછા મળ્યા છે.
વસ્તીના માળખાની વાત કરીએ તો, ગુજરાતમાં શહેરીકરણનું પ્રમાણ વધુ છે; અહીં 50.29 ટકા શહેરી વસ્તી છે જે રાષ્ટ્રીય સરેરાશ (35.70 ટકા) કરતા વધારે છે, જ્યારે ગ્રામ્ય વસ્તી 49.71 ટકા છે. રાજ્યની વસ્તી ગીચતા 373 અને સ્ત્રી-પુરુષનું પ્રમાણ 904 છે, જે બંને રાષ્ટ્રીય સરેરાશ કરતા નીચું સ્તર દર્શાવે છે. જોકે, આરોગ્ય ક્ષેત્રે બાળ મરણ દર દેશની સરેરાશ 25 કરતા ઓછો હોવો એ એક હકારાત્મક બાબત છે. સામાજિક સ્તરે રાજ્યમાં સાક્ષરતા દર 84.6 ટકા છે, પરંતુ હજુ પણ 11.66 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે. બીજી તરફ, વહીવટી મોરચે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બજેટમાં ઉદાસીનતા જોવા મળી છે. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવેલી 549.93 કરોડની ગ્રાન્ટમાંથી 218.28 કરોડ રૂૂપિયા જેટલી માતબર રકમ વણવપરાયેલી રહી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો
રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAG ના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ 2006-07 થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી. સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ 19 વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ 2006-07 થી લઈને 2024-25 સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.
