રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ

  નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે ઈંધણના પ્રવર્તમાન જથ્થા મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી…

 

નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં આજે ઈંધણના પ્રવર્તમાન જથ્થા મુદ્દે એક મહત્વની બેઠક યોજાઈ

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતે દર બે દિવસે આ બાબતનો ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં.

તેમણે ભાર પૂર્વક જણાવ્યું કે, “રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે, માટે જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી.”

ઈંધણના સપ્લાય અંગે વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે, આજે બપોરે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રીવ્યુ લેવામાં આવી રહ્યા છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યુ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે.

શ્રી સંઘવીએ જણાવ્યું કે, જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *