ભાવનગરમાં ફાયરિંગની ઘટના બાદ ગેરકાયદે પ્રાણીઓ, 50 કારતુસ ઝડપાયા

ઈન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વન વિભાગ પણ તપાસમાં જોડાયું, 8 પૈકી છ આરોપીઓની ધરપકડ ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે રવિવારે સવારે…

ઈન્ડિયા હાઉસમાં પોલીસનું સર્ચ ઓપરેશન, વન વિભાગ પણ તપાસમાં જોડાયું, 8 પૈકી છ આરોપીઓની ધરપકડ

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રજપુત જ્ઞાતિની વાડી પાસે રવિવારે સવારે ફાયરિંગ થયું હતું. અગાઉ થયેલા સામાન્ય ઝઘડાની અદાવત રાખીને આઠ જેટલા શખ્સોએ સંગઠિત થઈ રિવોલ્વર, તલવાર અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે યુવકો પર હુમલો કરી હવામાં ફાયરિંગ કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. દરમિયાન પોલીસે મેગા ઓપરેશન કરી ઉમેદના ઘરેથી ગેરકાયદેસર રખાયેલા અન્ય પ્રાણીઓ, 50 કારતુસ,6 છરી જપ્ત કરેલ છે. આઠ આરોપી પૈકી 6 ને પોલીસે ઝડપી લીધા છે.

આ બનાવની વિગત એવી છે શહેરના નવાપરા ગ્રીન કોમ્પ્લેક્સ માં રહેતા જાહીદભાઇ ફારૂૂકભાઇ લોંડીયાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આજથી 14 દિવસ પહેલા 18 માં રોજાના દિવસે તૌફીક હાલારી અને તેના સાથીઓએ નવાપરા વિસ્તારમાં બેસવા બાબતે ફરિયાદી અને તેના મિત્ર જય દવે સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની દાઝ રાખીને આજે રવિવારે વહેલી સવારે 4 વાગ્યે જ્યારે ફરિયાદી તેના ઘર પાસે મિત્રો સાથે બેઠા હતા, ત્યારે 8 આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી હુમલો કર્યો હતો.

આરોપીઓ પૈકી અશ્વિન ઉર્ફે અલી ગીરધરભાઇ વસાયાએ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ ફરિયાદી તરફ બીજો રાઉન્ડ છોડ્યો હતો, જોકે સદનસીબે તેમાં કોઈને ઈજા થઈ ન હતી. હુમલાખોરોએ સોડા બોટલના ઘા કરી, તલવાર અને છરીઓ બતાવી “તમોને અને તમારા પરિવારને પતાવી દઈશું” તેવી ધમકીઓ આપી ગાળાગાળી કરી હતી. આ બનાવ થી ભયભીત થયેલા યુવકોએ 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. બનાવ ની જાણ થતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો.

નિલમબાગ પોલીસે આ મામલે ફારુક હુસેન મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, અશ્વિન ઉર્ફે અલી ગિરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પુજારી, ફેઝાન ફિરોજ બેલીમ, તોફિક જમાલ હાલારી, વલી જમાલભાઈ હાલારી સહિત કુલ 8 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ ની તપાસ પી.આઇ. એમ. આર. ભલગરીયા ચલાવી રહ્યા છે. પોલીસે આઠ પૈકી છ આરોપીને ઝડપી લીધા છે જ્યારે વરલી હાલારી અને તોફિક હજુ ઝડપાયા નથી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપવા એસપી સહિતના પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં પોલીસને 50 જીવતા કાર્ટિસ સહિત અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી. જે મામલે ગંગાજળિયા પોલીસ મથક અને વનવિભાગ દ્વારા અલગથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

શહેરના નવાપરા વિસ્તારમાં થયેલી ફાયરિંગની ઘટનામાં સંડોવાયેલા બે શખ્સો તૌફિક અને વલી હાલારીને ઝડપવા માટે ભાવનગર એસપી સહિતનો પોલીસ કાફલાએ સાંઢિયાવાડ વિસ્તારમાં આવેલા ઈન્ડિયા હાઉસમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસને 50 જીવતા કાર્ટિસ, 6 છરી, 4 કાળિયારના શિંગડા, 1 પોકેટ મંકી અને વિદેશી દારૂૂની એક બોટલ મળી આવી હતી. જે બાદ પોલીસે આ મામલે વનવિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને પ્રતિબંધિત વસ્તુઓને કબ્જે કરી ઉબેદ શેખ અને તેના ભાઈની ધરપકડ કરી હતી.

ભાવનગર ના ઉબેદના ઘરે પોલીસને તપાસ દરમિયાન પ્રતિબંધિત માર્મોસેટ વાંદરાનું બચ્ચું મળી આવ્યું હતું. માર્મોસેટ વાંદરું દક્ષિણ અમેરિકામાં વસવાટ કરે છે અને તે ઝુંડમાં રહેવા ટેવાયેલ છે. વાંદરું મળી આવતા વન વિભાગ પણ તપાસમાં જોડાયું હતું. આર.એફ.ઓ. દિવ્યરાજસિંહએ જણાવ્યું હતું કે, આરોપી પાસેથી મળી આવેલ વાંદરું ગેરકાયદેસર રાખતો હતો અને કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. કાળિયારના શિંગડા રાખવા મામલે ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ છે. જોકે આ મામલે ઉબેદ દ્વારા વાંદરાનું બચ્ચું રાખવાની અરજી રિન્યુ કરવા આપી હોય તેવું આર. એફ. ને ઓ. એ જણાવ્યું હતું પરંતુ હાલ ગેરકાયદેસર રાખતો હોવાનું તપાસ માં બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *