દિલ્હીથી ખાલી ડબા અને અમદાવાદથી નકલી ઓઇલ મંગાવી કંપનીના નામે વેચાણ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ડુપ્લીકેટ એન્જિન ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. અમદાવાદથી સસ્તું ઓઈલ અને દિલ્હી જેવા શહેરોમાંથી જાણીતી કંપનીઓના ખાલી ડબ્બા મંગાવી, તેના પર સ્ટીકર લગાડી અસલ તરીકે વેચવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવતું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલ.સી.બી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુંભારવાડાના પીપર ચોક સામે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રૂૂા. 1.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ડુપ્લીકેટ એન્જિન ઓઈલ, ખાલી ડબ્બા, વિવિધ બ્રાન્ડેડ કંપનીના સ્ટીકરો અને પેકિંગ માટેના મશીનોનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કાળા કારોબારના મુખ્ય સૂત્રધારો અમિત બચુભાઈ દવે (રહે. શિલ્પીનગર) અને નિકુંજ શાંતિલાલ બારૈયા (રહે. શક્તિનગર) છે. તેઓએ કુંભારવાડામાં એક યુવકની જગ્યા ભાડે રાખી શરૂૂઆતમાં પોતાની બ્રાન્ડનું ઓઈલ બનાવવાનું શરૂૂ કર્યું હતું.પરંતુ પોતાની બ્રાન્ડ ન ચાલતા, તેઓએ વધુ નફો કમાવવાની લાલચે હીરો, હોન્ડા, ગલ્ફ, કેસ્ટ્રોલ અને સર્વો જેવી નામાંકિત કંપનીઓના નામે ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું શરૂૂ કર્યું.તેઓ દિલ્હી અને બોમ્બેથી 900 મી.લી.ની ખાલી બોટલો તથા ડુપ્લીકેટ સ્ટીકરો મંગાવતા હતા અને બેરલમાં ભરેલા સસ્તા ઓઈલને મશીન દ્વારા આ બોટલોમાં ભરી, સીલ મારી બજારમાં વેચતા હતા.
આ ફેક્ટરી છેલ્લા છ મહિનાથી કાર્યરત હતી અને અનેક વાહન ચાલકો તેમજ ગેરેજ સંચાલકો સાથે વિશ્વાસઘાત કરી ડુપ્લીકેટ ઓઈલ પધરાવવામાં આવતું હતું. પોલીસે બંને આરોપીઓ પાસે સમગ્ર પ્રક્રિયાનું રિહર્સલ કરાવી તેનો વીડિયો પણ શૂટ કર્યો છે.હાલમાં પોલીસે ઓઈલના સેમ્પલ લઈ એફ.એસ.એલ. માં મોકલી આપ્યા છે. એલ.સી.બી. પી.આઈ. એ.આર. વાળાના જણાવ્યા અનુસાર, રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ વિરુદ્ધ આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
